BREAKING NEWS

ગિરનાર પરિક્રમામાં પાણીની વ્યવસ્થા તંત્ર માટે મોટો પડકાર

  • November 06, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિક્રમા પૂર્વેની વ્યવસ્થાઓનું આકલન કરવા કલેકટર, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓ અને સંતો-મહંતોએ ગઈકાલે 36 કિલોમીટરના પરિક્રમા રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું. જોકે, આ વર્ષે જંગલ વિસ્તારમાં વરસાદના અભાવે નદી-નાળાં ખાલીખમ હોવાથી લાખો ભાવિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી તંત્ર માટે મોટો પડકાર બની રહેશે.



કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાનારી ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે અંદાજે આઠથી દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટે છે. પાંચ દિવસ દરમિયાન વિવિધ અન્નક્ષેત્રો અને સેવાભાવી સંસ્થાઓ પણ સેવા પ્રવૃત્તિઓ કરશે. પરિક્રમામાં પાણી, રસ્તા, લાઇટ અને આરોગ્યની સુવિધાઓ મહત્ત્વની હોવાથી સંતો-મહંતોએ નિરીક્ષણ દરમિયાન આ તમામ વ્યવસ્થાઓ સુદ્રઢ બનાવવા ભાર મૂક્યો હતો.



ખાસ કરીને જંગલ વિસ્તારમાં વરસાદના અભાવે પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે. હાલ વન્યપ્રાણીઓને પાણી પૂરું પાડવા માટે પણ તંત્રને મથામણ કરવી પડી રહી છે. આવી સ્થિતિમાં લાખો ભાવિકો માટે પાણી ક્યાંથી અને કેવી રીતે ઉપલબ્ધ કરાવાશે તે અંગે સંતો અને પદાધિકારીઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા જંગલ વિસ્તારમાં નવા બોર બનાવવાની તેમજ વિવિધ સ્થળોએ પાણીના પોઇન્ટ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



નિરીક્ષણ દરમિયાન કલેકટર યોગેશ ચૌધરી, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, વન અધિકારી અક્ષય જોશી, કમિશનર વાળા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેશગીરીબાપુ, કિશનદાસજી બાપુ અને ઇન્દ્રભારતીબાપુ સહિતના સંતો-મહંતો પણ જોડાયા હતા.


મહેશગીરીબાપુએ તંત્રની તૈયારીઓ અંગે હકારાત્મક અભિગમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પાણીની પરિસ્થિતિ કપરી હોવા છતાં પરિક્રમા યોજાશે. બીજી તરફ કલેકટર યોગેશ ચૌધરીએ પાણીની વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સિનિયર સિટીઝનો અને બાળકોને પરિક્રમા કરવાનું ટાળવા સ્પષ્ટ તાકીદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application