BREAKING NEWS

લોન મેળવવામાં પડી રહી છે મુશ્કેલી? 6 મહિનામાં ક્રેડિટ સ્કોર સુધારવા માટે અપનાવો આ સરળ ઉપાયો

  • August 31, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ ગયો છે અને બેંકમાંથી લોન મેળવવામાં સમસ્યા આવી રહી છે, તો ગભરાવાની જરૂર નથી. નાણાકીય શિસ્ત અને કેટલીક સારી આદતો અપનાવીને તમે ધીમે-ધીમે તમારા ક્રેડિટ સ્કોરમાં સુધારો કરી શકો છો. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું માત્ર 6 મહિનામાં ક્રેડિટ સ્કોર સુધારી શકાય છે? નિષ્ણાતોના મતે યોગ્ય પગલાં લેવામાં આવે તો ચોક્કસપણે 6 મહિનાની અંદર સ્કોરમાં સારો સુધારો જોવા મળી શકે છે.


ક્રેડિટ સ્કોર સુધારવાની શરૂઆત સમયસર ચૂકવણી કરવાથી થાય છે. આગામી 6 મહિનામાં તમારા લોનની ઈએમઆઈ (EMI) કે ક્રેડિટ કાર્ડનું બિલ નિર્ધારિત તારીખ પહેલાં ભરાઈ જાય તે સુનિશ્ચિત કરો. વિલંબથી બચવા માટે ઓટો-ડેબિટ સુવિધા અથવા રિમાઇન્ડરનો ઉપયોગ કરી શકાય છે. સમયસર ચુકવણી કરવાથી નાણાકીય સંસ્થાઓનો તમારા પર ભરોસો વધે છે. આ ઉપરાંત, તમારા ક્રેડિટ કાર્ડની લિમિટનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. જો કાર્ડની મર્યાદા 1 લાખ રૂપિયા હોય, તો દર મહિને આખી મર્યાદા વાપરવાને બદલે મર્યાદિત ઉપયોગ કરવો હિતાવહ છે.


જો કોઈ એક બેંકે તમારી લોન અરજી ફગાવી દીધી હોય, તો તાત્કાલિક અન્ય મલ્ટિપલ બેંકોમાં લોન માટે અરજી કરવાનું ટાળવું જોઈએ. ટૂંકા ગાળામાં વારંવાર અરજી કરવાથી બેંકો તમારી ક્રેડિટ રિપોર્ટની તપાસ (હાર્ડ ઈન્ક્વાયરી) કરે છે, જેની નકારાત્મક અસર સ્કોર પર પડે છે. તેથી પહેલાં લોન ના મંજૂર થવાનું કારણ સમજો અને તે સમસ્યા દૂર કર્યા પછી જ ફરીથી અરજી કરો.


​​​​​​​ઘણી વખત પોતાની ભૂલ વગર પણ ક્રેડિટ રિપોર્ટમાં ટેકનિકલ ખામી કે ખોટી માહિતીના કારણે સ્કોર ઘટી જાય છે. તેથી નિયમિતપણે તમારી ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહો. જો તેમાં કોઈ એવી લોન દર્શાવાઈ રહી હોય જે તમે લીધી જ નથી અથવા જૂની લોન ચૂકવ્યા પછી પણ ચાલુ બતાવે છે, તો તરત જ સંબંધિત એજન્સીનો સંપર્ક કરીને તે ભૂલ સુધરાવવી જોઈએ. જો સ્કોર તાજેતરના વિલંબ કે ક્રેડિટ લિમિટના વધુ ઉપયોગના કારણે ઘટ્યો હશે તો 6 મહિનામાં ઝડપી સુધારો થશે, પરંતુ જો જૂનું દેવું લાંબા સમયથી બાકી હશે તો થોડો વધુ સમય લાગી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application