એચ1-બી વિઝા મુદ્દાને ટાંકીને, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન, ડી.સી.માં જણાવ્યું હતું કે હવે અમે અમેરિકામાં જ ચીપ બનાવશું. જો કે અમે અહી વધુ ચીપ નથી બનાવતા પરંતુ એક વર્ષમાં આપણે ઘરઆંગણે ચીપ બનાવતા થઇ જઈશું. યુએસ પ્રમુખે જણાવ્યું હતું કે હવે અમારી પાસે ચિપ માર્કેટનો નોંધપાત્ર હિસ્સો હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણે પહેલા આપણા લોકોને ચિપ કેવી રીતે બનાવવી તે શીખવશું, કારણ કે આપણે હાલમાં આ કરતા નથી, આગાઉ આપણે આપણા લોકોને તાલીમ આપતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે મૂર્ખતાપૂર્વક તાઇવાનને ચિપ બિઝનેસ ગુમાવ્યો હતો, પરંતુ હવે બધું પાછું આવી રહ્યું છે.
યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચિપ એક્ટ આ દેશ (યુએસ) માટે આપત્તિ હતી. અમે અન્ય દેશો અને અન્ય સ્થળોએ અબજો ડોલર આપ્યા. તેઓએ ફક્ત અમારા પૈસા ચોરી લીધા, પરંતુ હવે, ટેરિફને કારણે, ચિપ બિઝનેસ પાછો આવી રહ્યો છે. બધા ચિપ ઉત્પાદકો હવે યુએસ પાછા ફરી રહ્યા છે. ખૂબ જ ટૂંકા સમયમાં, આપણી પાસે મોટાભાગના વૈશ્વિક ચિપ ઉત્પાદન હશે, જ્યાં તે હંમેશા હોવું જોઈએ.
ટ્રમ્પે ટેરિફને લઈને પાછલી યુએસ સરકારો પર નિશાન સાધતા કહ્યું કે કારણ કે આપણી પાસે એવા લોકો હતા જેઓ ટેરિફમાં માનતા નહોતા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નહોતા. જો તેઓ જાણતા હોત, તો આપણા દેશમાંથી કંઈ જ ન ગયું હોત. હાલમાં, 100 ટકા ચિપ તાઇવાનમાં બનાવવામાં આવે છે, પરંતુ હવે એવું રહેશે નહીં.
જ્યારે ટ્રમ્પ દાવો કરે છે કે ટેરિફથી અમેરિકાને નોંધપાત્ર ફાયદો થશે, ત્યારે અમેરિકા હજુ પણ સરકારી બંધમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી. અમેરિકામાં ફુગાવાના મુદ્દા પર ડેમોક્રેટ્સના ભારે પ્રચારથી તાજેતરની પેટાચૂંટણીઓમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આ કારણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ આવકનો ઉપયોગ કરીને 2,000 ડોલર રિબેટ ચેક જારી કરવાની વાત પણ કરી છે.