BREAKING NEWS

હાઇવે પર રખડતાં ઢોરથી થતા અકસ્માતો રોકવા શું પગલાં લેવાય છે? હાઇકોર્ટનો NHAIને સવાલ

  • October 23, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના હાઇવે પર રખડતાં ઢોરને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇવે પર અચાનક ઢોર આવી જતાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે ત્યારે આવા અકસ્માતો નિવારવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એન એચઆઈએ) દ્વારા અત્યાર સુધીમાં શું પગલાં લેવામાં આવ્યાં છે, તેવો વેધક સવાલ હાઇકોર્ટે કર્યો છે. સાથે જ આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અનુસંધાનમાં રખડતાં કૂતરાંના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાથ ધરાયેલી સુઓમોટો કાર્યવાહી દરમિયાન રખડતાં ઢોરનો પ્રશ્ન પણ ચર્ચામાં આવ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ કરિઅલની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણીમાં હાઇવે પર ઢોરના કારણે સર્જાતા અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ખંડપીઠે નોંધ્યું હતું કે ગુજરાતના હાઇવે સારી સ્થિતિમાં હોવાથી વાહનોની ઝડપ ઘણીવાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોય છે. આવી સ્થિતિમાં અચાનક હાઇવે પર ઢોર આવી જાય તો ચાલક માટે વાહન પર કાબૂ મેળવી અકસ્માત ટાળવો મુશ્કેલ બની જાય છે. પરિણામે ગંભીર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે.સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ કરિઅલે તાજેતરમાં લક્ઝુરિયસ કારના અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુની દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ સંદર્ભમાં હાઇવે પર રખડતાં ઢોરની અવરજવર અટકાવવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત સામે આવી હતી.બીજી તરફ, સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર વિવિધ સરકારી ઓથોરિટીઓ પરસ્પર સંકલન કરીને સંબંધિત વિગતો એકત્ર કરી રહી છે. સરકાર તરફથી પણ તમામ ડેટા કોર્ટના રેકોર્ડ પર મૂકવામાં આવ્યો હોવાનું અને તાજી વિગતો રજૂ કરવાની તૈયારી હોવાનું જણાવાયું હતું.મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે હાઇવેના ડિવાઇડરની ઊંચાઈ વધારવાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. જોકે, ખંડપીઠે ટકોર કરી હતી કે માત્ર ડિવાઇડરની ઊંચાઈ વધારવાથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવશે નહીં. આથી, રખડતાં ઢોરને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે સંબંધિત સત્તાધિકારીઓએ ગંભીરતાથી વિચારણા કરી નક્કર અને કાયમી સમાધાન રજૂ કરવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application