શહેરમાં ગુનેગારો સામે પોલીસનું આક્રમક વલણ, કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ સહિતના પોલીસના દાવાઓનો છેદ ઉડાવતી ઘટના ગઈકાલ રાત્રીના બનવા પામી છે. રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે આવેલા દેવ પુષ્પ મેડિકલ સ્ટોરમાં કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ ધોકા સહિતના હથિયારો સાથે ઘસી જાય બેફામ તોડફોડ કરી હતી. 13 કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરમાં તોડફોડ કરી રૂપિયા 3.25 લાખનું નુકસાન કર્યું હતું અને મેડિકલ સ્ટોરના કર્મચારીને હાથમાં ધોકાનો ઘા ફટકાર્યો હતો. સરાજાહેર બનેલી ગુંડાગીરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસે વેપારીની ફરિયાદ પરથી સાજીદ કચરા અને પાંચ અજાણ્યા શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે રૈયા ગામમાં સવન સીમ્ફની એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી પ્રવીણભાઈ ધીરજલાલ ઉનડકટ (ઉ.વ.47) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાજીદ કચરા અને તેની સાથેના પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હનુમાન મઢી ચોક પાસે તેમને દેવ પુષ્પ મેડિકલ સ્ટોર આવેલો છે જેમાં પાર્ટનર તરીકે પ્રજ્ઞેશભાઈ સૂચક છે. ગઈકાલ રાત્રીના દસેક વાગ્યા આસપાસ તે તથા તેમના ભાગીદાર પ્રજ્ઞેશભાઈ દ્વારકા દર્શન કરીને રાજકોટ પર આવતા હતા. ત્યારે જામનગર પહોંચતા મેડિકલ સ્ટોરમાં કામ કરનાર રાજેશભાઈ નવલભાઇ સૂચકનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, 9:30 વાગ્યા આસપાસ સાજીદ કચરા નામનો વ્યક્તિ દવા લેવા માટે આવ્યો હતો. દરમિયાન તેને દવા આપતા હતા તે સમયે બંધ કાઉન્ટર ઉપર એક બહેન ઉભા હોય જેથી રાજેશભાઈએ બહેનને કહ્યું હતું કે, બીજા કાઉન્ટર ઉપર આવી જાવ આ સાંભળી સાજીદ કચરાને એમ થયું હતું કે, મને કહ્યું છે તેવું માની સ્ટાફ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો જેથી સ્ટાફે કહ્યું હતું કે તમને કહ્યું નથી આ બાજુમાં ઉભેલા બહેનને બીજા કાઉન્ટર ઉપર દવા લેવા માટે બોલાવ્યા છે. જેથી સાજીદ એકદમ ઉશકેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી કહેવા લાગ્યો હતો કે તમે મને ઓળખો છો, થોડીવાર રહો હું દસેક મિનિટમાં પરત આવું છું અને તમારું મેડિકલ બંધ કરાવું છું તેમ કહીને તે અહીંથી જતો રહ્યો હતો.બાદમાં સાજીદ કચરા તથા તેની સાથેના પાંચ શખસો ધોકા સહિતના હથિયારો સાથે અહીં આવ્યા હતા અને મેડિકલ સ્ટોરમાં બેફામ તોડફોડ શરૂ કરી હતી. મેડિકલ સ્ટોરમાં રહેલ 13 કોમ્પ્યુટર, 5 સીસીટીવી કેમેરા, પ્રિન્ટર તથા ટીવીમાં ધોકાના ફટકારી તોડફોડ કરી હતી. એટલું જ નહીં મેડિકલ સ્ટોરના કર્મચારી રાજેશભાઈને ડાબા હાથ પર ધોકાનો ઘા ફટકારી દીધો હતો અને અન્ય કોઈ સ્ટાફના માણસોના હાથમાં ફોન જોવે તો તેને ફોન મૂકી દેવાનું કહેતા અને કોઈને ફોન કરવા દેતા ન હતા. જો કોઈએ ફોન કર્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ શખસોએ અહીં મેડિકલ સ્ટોરમાં બેફામ તોડફોડ કરી રૂપિયા ૩.૨૫ લાખનું નુકસાન કર્યું હતું અને કર્મચારીને ધોકાનો ઘા ફટકારી, જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. સરાજાહેર બનેલી ગુંડાગીરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે બીજી તરફ ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. બનાવને લઈ વેપારીની ફરિયાદ પરથી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી. ગઢવીની રાહબરી હેઠળ ટીમે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application