BREAKING NEWS

રાજકોટમાં વિચિત્ર કરૂણાંતિકાઃ બે વીલા વચ્ચેની બાલ્કનીમાં ટુવાલ બાંધ્યો, બીજા રૂમમાં જતી વખતે હાથ છટકતા તરુણ પટકાતા મોત

  • December 02, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવેલા સુકુન વીલામાં બે રૂમની બાલ્કની વચ્ચે ટુવાલ બાંધી એક રૂમમાંથી બીજા રૂમમાં ટુવાલ પકડીને જતી વખતે હાથ છટકી જતા 15 વર્ષીય તરુણનું નીચે પટકાવાથી ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. તરુણ રાજસ્થાનથી સાથી મિત્રો સાથે કેટરર્સના કામે આવ્યો હતો પરંતુ ઉંમર નાની હોવાથી તેની સાથેના એક તરુણને કામ માટે લઈ જવાયા ન હતા. આથી બંને તરુણો વિલામાં રોકાયા હતા. દરમિયાન આ ઘટના ઘટી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને સાથી મિત્રો સાથે કેટરર્સના કામ માટે રાજકોટ આવી કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે ભૂત બંગલાની નજીક આવેલી સુકુન વીલામાં રહેતો નરેશ પારગી (ઉ.વ.૧૫)નો તરુણ સાંજે વિલામાં હતો. ત્યારે ત્રીજા માળની બાલ્કનીએથી પટકાતા માથા સહિતના ભાગે ગંભીર ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.


ભુખ લાગતા બે તરૂણોએ જુગાડ કર્યો ને એકને મોત મળ્યું

બનાવ કેવી રીતે બન્યો એ અંગેની મળતી વિગતો મુજબ જાણવા મળ્‍યા મુજબ નરેશ પાંચેક દિવસ પહેલા રાજસ્‍થાનથી કેટરર્સમાં કામ કરતા છોકરાઓ સાથે કામ માટે આવ્‍યો હતો. લગ્ન પ્રસંગના કારણે છોકરાવને સુકુન વીલામાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. નરેશ અને તેની સાથેના એક છોકરાની ઉંમર સગીરવયની હોવાથી તેને કામે લઈ જવાની ના કહી વિલામાં રહેવા માટે જણાવ્યું હતું. બપોરે બંને તરુણો વીલાના ત્રીજા માળે આવેલા રૂમમાં હતા ત્યારે રૂમ લોક થઇ ગયો હતો અને બંનેને ભુખ લાગતાં બાજુની વીલાના રૂમમાં છોકરાવ માટે જમવાનું રાખ્‍યું હતું. રૂમ લોક હોવાથી બાજુના વિલાના રૂમ સુધી જવા માટે બંનેએ જુગાડ કરી બે બાલ્‍કની વચ્‍ચે ટુવાલ બાંધ્‍યો હતો અને ટુવાલ પકડીને સામેના રૂમમાં જમવા ગયા હતા. ત્યાંથી એ જ રીતે ફરી પાછા રૂમમાં પણ આવી ગયા હતા. 


ઘટનાથી સાથી કર્મચારીઓમ શોક છવાયો

દરમિયાન બપોરે ચારેક વાગ્યે નરેશને પાછી ભુખ લાગતા ફરીથી બાલ્કનીમાં બાંધેલો ટુવાલ પકડી સામેના રૂમમાં જવા જતા હાથ છટકી જવાથી નીચે પટકાયો હતો. બનાવના પગલે સાથી તરુણે રાડારાડી કરતા વિલાના અન્ય કમર્ચારીઓ દોડી આવ્યા હતા અને તાકીદે સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાબતે પોલીસે વિલાના સીસીટીવી ફૂટેજ મેળવવા અને સાથી તરુણની પુછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાથી સાથી કર્મચારીઓમ શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application