BREAKING NEWS

વીમા વિનાના વાહનથી અકસ્માત થાય તો પીડિતને સહાય કેમ નહીં? કોર્ટનો સવાલ

  • October 22, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્ગ અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા ગંભીર ઈજા પહોંચે ત્યારે તેને તાત્કાલિક આર્થિક સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજનામાં વીમા વગરનાં વાહનોને શા માટે બાકાત રાખવામાં આવ્યાં છે તે અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર સવાલ ઉઠાવ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ માટે વાહનનો વીમો છે કે નહીં તેના આધારે રાહતની વ્યવસ્થા અલગ હોવી જોઈએ કે કેમ તે મુદ્દે અદાલતે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે.કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના પીડિતોને વચગાળાની રાહત આપવા માટે ‘કમ્પેન્સેશન ટુ વિક્ટિમ્સ ઇન્ટરિમ રિલીફ સ્કીમ, ૨૦૨૬’ તૈયાર કરી છે. આ યોજના પ્રમાણે, અકસ્માતમાં મૃત્યુ થાય તો મૃતકના પરિવારને રૂ. બે લાખ અને ગંભીર ઈજા થાય તો રૂ. એક લાખની વચગાળાની આર્થિક સહાય આપવાની જોગવાઈ છે.જોકે આ યોજનામાં મુખ્યત્વે વીમો ધરાવતા વાહનોથી થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. વીમા વગરના વાહનથી અકસ્માત થાય તો પીડિતોને આ યોજના હેઠળ તાત્કાલિક રાહત મળવાની જોગવાઈ નથી.ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે આ બાબતે કેન્દ્ર સરકાર સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો.સરકારના અધિકારીઓએ અદાલતને જણાવ્યું કે આ યોજના મોટર વાહન કાયદાની વીમા સંબંધિત જોગવાઈઓના આધારે તૈયાર કરવામાં આવી છે. કોઈ વાહનનો વીમો ન હોય અને તેના કારણે અકસ્માત સર્જાય તો પીડિતે વળતર મેળવવા માટે મોટર અકસ્માત દાવા અધિકરણનો સંપર્ક કરવો પડે છે.અદાલતે એ બાબતની પણ નોંધ લીધી કે કેન્દ્ર સરકારે તૈયાર કરેલી યોજના હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી અને તેનો પૂરતો પ્રચાર પણ થયો નથી. પરિણામે અકસ્માતના પીડિતોને આ યોજના હેઠળ સહાય મેળવવાના પોતાના અધિકાર અંગે જાણકારી નથી.કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ૨૩ ફેબ્રુઆરીએ આ યોજનાનો મુસદ્દો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વહેંચવામાં આવ્યો હતો. તેને મોટર વાહન કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે એપ્રિલ ૨૦૨૫માં જ કેન્દ્રને અકસ્માતના પીડિતો માટે વચગાળાની આર્થિક સહાયની યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.મોટર વાહન કાયદાની કલમ ૧૬૪ હેઠળ અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં રૂ. પાંચ લાખ અને ગંભીર ઈજાના કિસ્સામાં રૂ. અઢી લાખ વળતરની જોગવાઈ છે. આ પ્રકારના દાવામાં અકસ્માત માટે વાહનચાલકની બેદરકારી સાબિત કરવાની જરૂર રહેતી નથી.કેન્દ્રની નવી યોજના હેઠળની રૂ. બે લાખ અને રૂ. એક લાખની સહાય વચગાળાની છે. અંતિમ વળતરની રકમ મોટર અકસ્માત દાવા અધિકરણના નિર્ણય પ્રમાણે વધારે પણ હોઈ શકે છે.અદાલતે પીડિતોને યોજના અંગે યોગ્ય જાણકારી મળે તે માટે તેનો પ્રચાર કરવાની પણ જરૂરિયાત દર્શાવી હતી. અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોને રાહત મેળવવામાં બિનજરૂરી વિલંબ ન થાય અને વીમા વગરનાં વાહનોના અકસ્માતમાં પણ તેમને યોગ્ય ન્યાય મળે તે મુદ્દો હવે મહત્વનો બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application