રાજકોટમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવી ક્લબ્સ નથી કે જે ઉંચી રકમની ફી ચૂકવીને સાંપ્રત સમયના બોલિવૂડના સુપરહિટ સિંગર્સને રાજકોટ શહેરમાં આમંત્રિત કરી શકે (અલબત્ત હવે ધીમી ગતિએ ક્લબ કલ્ચર ડેવલપ થઇ રહ્યું છે.) રાજકોટમાં આવતા બોલિવૂડ સિંગર્સ મોટાભાગે રાજકોટ મહાપાલિકા આયોજિત કાર્યક્રમોમાં તેમજ ક્યારેક પોલીસ તંત્ર કે કલેક્ટર તંત્ર જેવા અન્ય સરકારી વિભાગો દ્વારા યોજાતા કાર્યક્રમમાં જ આવતા હોય છે. વર્ષોથી રાજકોટ મહાપાલિકા વર્ષમાં બે મ્યુઝિકલ નાઇટ યોજે છે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અને રાજકોટ મનપાના સ્થાપના દિવસ ૧૯ નવેમ્બરે. આ બન્ને મ્યુઝિકલ નાઇટમાં હાલ સુધી બોલિવૂડના તત્કાલિન સમયના સુપરહિટ સિંગર્સને જ આમંત્રિત કરવામાં આવતા હતા પરંતુ છેલ્લા બે દાયકાથી ચાલતો આ ટ્રેન્ડ હવે તૂટ્યો છે.
હાલ બોલિવૂડ તેમજ જે સિંગર્સ સુપરહિટ છે તેમાં અરિજીતસિંઘ, શ્રેયા ઘોષાલ ઉપરાંત સુખવિંદર સિંઘ, જુબિન નોટિયાલ, નેહા કક્કર, સુનિધિ ચૌહાણ, સોનુ નિગમ, શાન ઉપરાંત પોપ અને રેપ સિંગર હની સિંઘ, મિકા સિંઘ, બાદશાહ વિગેરે જેવા સિંગર્સને આમંત્રિત કરાય તો ફક્ત તેમના બ્રાન્ડ નેમથી જ મ્યુઝિકલ નાઇટ સુપરહિટ થાય પરંતુ રાજકોટ મહાપાલિકા તંત્ર ક્યારેય આવા સિંગરને આમંત્રિત કરવાનું વિચારતું નથી. આગામી તા.૧૯ નવેમ્બરે જેમની મ્યુઝિકલ નાઇટ છે તે સચેત અને પરંપરા પણ બેશક ખૂબ સારા અને માણવા જેવા સિંગર છે, તેમના પણ અનેક સોંગ્સ સુપરહિટ થયા છે પરંતુ ઉપરોક્ત સફળ નીવડેલા સિંગર્સના હીટ સોંગ્સની જેવી રેન્જ તેમની પાસે નથી.
જો રાજકોટ મહાપાલિકા તંત્ર ફક્ત વધુ ખર્ચ થાય કે પૈસાની બચત કરવાના હેતુથી વર્તમાન સમયના સુપરહિટ સિંગર્સને આમંત્રિત કરતું નથી તેવા ખુલાસા કે તર્ક હવે રાજકોટવાસીને ગળે ઉતરતા નથી કારણ કે અનેક કાર્યક્રમોમાં મહાપાલિકા લખલૂંટ ખર્ચ કરે જ છે. તદઉપરાંત વિવિધ કોન્ટ્રાક્ટમાં લાખો કરોડો રૂપિયાની ઓન ચૂકવવા સહિતની બાબતોમાં જો થોડા ખોટા ખર્ચ ટૂંકાવીને રાજકોટની જાહેર જનતા માટે સુપરહિટ સિંગર્સની મ્યુઝિકલ નાઇટ યોજવા માટે રકમ ખર્ચવામાં આવે તો નાગરિકોને તેમાં હરગીઝ કોઇ વાંધો નથી.
અહીં કહેવાનો અર્થ બિલકુલ એવો નથી કે અરિજીતસિંઘ કે શ્રેયા ઘોષાલને જ આમંત્રિત કરવા જોઇએ, પરંતુ હાલ સુપરહિટ હોય તેવા કોઇ પણ સિંગરને આમંત્રિત કરવા જોઇએ. ક્યારેક યંગ જનરેશન કે કોમનમેનની ડિમાન્ડ જાણવાનો પ્રયાસ કરવો જોઇએ કારણ કે મહાપાલિકા આયોજિત મ્યુઝિકલ નાઇટ્સ હોય કે અન્ય કાર્યક્રમો તેને સુપરહિટ પબ્લિક જ બનાવે છે, નહીં કે આયોજકો અને વ્યવસ્થાપકો. આ બાબતને ક્યારેય ભુલવી જોઇએ નહીં.
સવિશેષ થોડા સમય પૂર્વે જુના ગીતોની મ્યુઝિકલ નાઇટ તેમજ ટેલેન્ટ શોના સિંગર્સની મ્યુઝિકલ નાઇટ યોજનાર મહાપાલિકા ટીનેજર્સ કે યંગ જનરેશનનો ખ્યાલ કરીને મ્યુઝિકલ નાઇટ યોજે તેવું વિચારવું પણ અસ્થાને છે.
મનપા આયોજિત સુપરહિટ મ્યુઝિકલ નાઇટ્સ
ક્રમ----બોલિવૂડ સિંગર------રિઝલ્ટ
૧. શ્રેયા ઘોષાલ બમ્પર હિટ, લાઠીચાર્જ
૨. કૈલાસ ખૈર સુપરહિટ, ઓવરક્રાઉડ
૩. કે.કે. સુપર ડુપર હિટ, રેસકોર્સ બંધ કરવું પડ્યું
૪.શાન નાઇટ સુપર હિટ
૫.ઉદિત નારાયણ સુપરહિટ
૬.કુમાર શાનુ સુપરહિટ
૭.સુરેશ વાડેકર સુપરહિટ
૮.અમિતકુમાર સુપરહિટ
૯.મનહર ઉધાસ સુપરહિટ