BREAKING NEWS

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીએ વોટ્સએપ સ્ટેટસમાં વીડિયો મૂકી આપઘાત કર્યો

  • April 25, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની પત્નીએ પતિના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના ભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.


મૂળ રાજસ્થાનના વતની ૩૫ વર્ષીય ગીતાબેનના લગ્ન વર્ષ ૨૦૧૩માં અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા, જે હાલ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. લગ્નજીવનના શરૂઆતના સમય બાદ અર્જુનસિંહ અવારનવાર ગીતાબેન સાથે નાની-નાની બાબતે ઝઘડા કરી મારઝૂડ કરતો હોવાના આક્ષેપ છે. પતિના ત્રાસથી કંટાળીને ગીતાબેન અગાઉ પણ બે-ત્રણ વખત પિયર જતી રહી હતી, પરંતુ સામાજિક મર્યાદાઓને કારણે પરત ફરી હતી.


ઘટનાના દિવસે એટલે કે ૧૫ એપ્રિલે અર્જુનસિંહે તેના સાળાને ફોન કરીને એવી માહિતી આપી હતી કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા અત્યંત પરેશાન છે અને તેણે ઊંઘની ગોળીઓ લીધી હોવાથી તે સૂઈ ગઈ છે. જોકે, વીડિયો કોલ દરમિયાન ગીતાબેન અર્ધબેભાન હાલતમાં જણાતા તેમના ભાઈને શંકા ગઈ હતી અને તેઓ તાત્કાલિક અમદાવાદ આવવા રવાના થયા હતા. આ દરમિયાન ગીતાબેને ગળેફાંસો ખાઈ લીધો હોવાના સમાચાર મળ્યા હતા.


આપઘાત કરતા પહેલા ૧૪ એપ્રિલે ગીતાબેને પતિ સાથે થયેલા ઝઘડાનો એક વીડિયો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો હતો, જે તેમના માનસિક સંતાપનો પુરાવો આપી રહ્યો છે. તપાસ દરમિયાન ઘરમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં હિન્દીમાં લખ્યું હતું કે, 'ભાઈને બોલા થા બચ્ચોં કે સામને દેખ લે... અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું...' આ ચિઠ્ઠી પરથી ગીતાબેન બાળકોના ભવિષ્ય અને પતિના વર્તનને લઈને ઊંડા તણાવમાં હોવાનું સ્પષ્ટ થાય છે.


મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કોન્સ્ટેબલ અર્જુનસિંહ પોતાની સત્તાનો ઉપયોગ કરીને મામલો દબાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરિવારે લાશનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવાની માંગ કરી હતી. મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે વાસણા પોલીસ સ્ટેશનમાં અર્જુનસિંહ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application