BREAKING NEWS

રાત્રે સમાધાન થઈ ગયું હોત તો સવારે હત્યાકાંડ ન થાત...રાજકોટમાં પતિએ કરેલા ફાયરિંગમાં ઘવાયેલી પત્નીનું મોત

  • November 17, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં નાગેશ્વર રોડ ઉપર ઘંટેશ્વર નજીક શિખર સમેત એપાર્ટમેન્ટમાં પ્રણય ત્રિકોણમાં પતિ પત્ની વચ્ચે ખેલાયેલા લોહિયાળ જંગમાં પતિએ પત્નીને ગોળી ધરવી દઈ પોતે લમણે બંધુક મારી આપઘાત કરી લીધો હતો જયારે પત્નીને ગળાના ભાગે ગોળી લાગી જતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું ચાલુ સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નીપજ્યું હતું. ઘટનામાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


સિવિલમાં લાવતા રાત્રીના દમ તોડી દીધો હતો

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વરમાં આવેલા શિખર સમેત એપાર્ટમેન્ટમાં સહેલી પૂજા સોની સાથે દોઢેક મહિનાથી રહેતી તુષાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.39)ની શનિવારે સવારે નવેક વાગ્યે સહેલી પૂજા સાથે જિમમાંથી આવી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભા હતા ત્યારે નજીકના જ તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ લાલજી પઢીયારે આવી પત્નીને ફડાકો જીકી દીધો હતો બંને વચ્ચે ઝપાઝપી થતા પતિ લાલજી પઢિયારે બંધુક કાઢી એક પછી એક ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી તૃષાબેનને ગળાના ભાગે લાગી જતા ત્યાંજ લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી. પત્નીને ગોળી ધરબી દીધા બાદ પતિ લાલજીએ પણ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ઘટનાના પગલે વિસ્તારવાસીઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ થતા ડીસીપી ક્રાઇમ, એસીપી સહિતનો ગાંધીગ્રામ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. તૃષાબેનને લોહી લુહાણ હાલતમાં સહેલી પૂજા સહિતનાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં બાદ સિવિલમાં લાવતા રાત્રીના દમ તોડી દીધો હતો.


લગ્ન થયાને 18 વર્ષ જેટલો સમય થયો હતો

બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી પુરી કરી મળું જેતપુરના અને હાલ જીવરાજપાર્ક, આદિત્ય બંગલો, નચિકેતા સ્કૂલ પાસે રહેતા મૃતકના ભાઈ જય મુકેશભાઈ રાઠોડની ફરિયાદ પરથી બનેવી મૃતક લાલજીભાઈ રમેશભાઈ પઢીયાર વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. મૃતક તૃષાબેન ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતા અને લગ્ન થયાને 18 વર્ષ જેટલો સમય થયો હતો. સંતાનમાં એક પુત્ર છે. એકના એક સંતાનએ માતા-પિતા બંનેનો છાંયો ગુમાવી દેતા પરિવારનો માળો વિખાયો છે.


રાત્રે સમાધાન થઈ ગયું હોત તો સવારે હત્યાકાંડ ન થાત

શનિવારે સવારે નવેક વાગ્યે પતિ-પત્ની વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો એ પૂર્વેની શુક્રવારની સાંજે લાલજીએ સાળા જય રાઠોડને ફોન કરી ઘરે બોલાવ્યો હતો અને સમધાન માટેની વાતચીત કરવા માટેનું નક્કી થતા લાલજીભાઈ તેનો પુત્ર ઓમ અને સાળો જય ત્રણેય રાત્રે 11 વાગ્યે જ્યાં તૃષાબેન રહેતા હતા એ સામેના શિખર સમેત એપાર્ટમેન્ટમાં સહેલી પૂજા સોનીના ઘરે ગયા હતા. ત્યાં તૃષાબેનને તેના ભાઈ જય રાઠોડે કહ્યું હતું કે, તમે જે કાંઈ વાત હોય સામ સામે બેસીને પુરી કરી નાખો આથી બંને રૂમમાં સમાધાનની વાતચીત માટે બેઠા હતા પરંતુ સમાધાન થયું નહતું. આથી ત્રણેય જતા રહ્યા હતા અને સાળો જય રાઠોડ પણ બનેવીના ઘરે જ સુઈ ગયો હતો. સવારે પાંચેક વાગ્યે જાગતા બનેવી લાલજી પઢીયાર જાગતા હતા અને મોબાઈલમાં વ્યસ્ત જોઈ સુતા નથી તેમ પૂછતાં બનેવીએ કહ્યું હતું કે મને નીંદર નથી આવતી તું સુઈ જા, વાતની બે-ત્રણ કલાક બાદ પતિ-પત્ની વચ્ચે સામેના એપાર્ટમેન્ટમાં ઝગડો ચાલતો હોવાની ખબર પડતા સાળો જય રાઠોડ અને પુત્ર ઓમ ત્યાં દોડીને જતા બંને લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા.


જેના કારણે ખૂની ખેલ ખેલાયો એ વિશાલનું નિવેદન લેવાશે

દંપતી વચ્ચેનો સુખી સંસાર વેર વિખેર બન્યા બાદ ખૂની ખેલમાં ફેરવાયો એ પાછળનું મુખ્ય કારણ મૃતક લાલજી પઢિયારના ફઈબાના દીકરાનો દીકરો વિશાલ હતો. સામા કાંઠે રહેતો વિશાલ ગોહેલ એક સંતાનનો પિતા છે. કાકી અને કૌટુંબિક ભત્રીજા વચ્ચે આંખ મળી જતા બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. જેની જાણ લાલજીભાઈને થઇ જતા દંપતી વચ્ચે ઝગડા શરૂ થયા હતા અને છેલ્લા દોઢેક મહિનાથી મૃતક તૃષાબેન સહેલીના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા.

આ હત્યા અને આપઘાતના મૂળનું કારણ એવા વિશાલનું પોલીસ આજે નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application