મે મહિનાની શઆત થઇ ચુકી છે ત્યારે સુર્યદેવતાનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો રહે છે જો કે જામનગરમાં સાંજે ૬ વાગ્યા બાદ પવનને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. ગઇકાલે ૫૦કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો જો કે ગઇકાલે એક ડીગ્રી તાપમાન વધીને ૩૮ ડીગ્રી થયું હતું. આગામી બે દિવસ હિટવેવ થવાની પણ આગાહી હવામાન ખાતાએ કરી છે. અને કેટલાક શહેરોમાં તાપમાન ૪૪ ડીગ્રીને પાર કરી જાય તેવી શકયતા છે. રાજકોટમાં અગનગોળા વરસી રહ્યા છે. ગઇકાલનું રાજકોટનું તાપમાન ૪૪.૫ ડીગ્રીએ પહોંચી જતા લોકો ગરમીથી અકળાઇ ઉઠયા હતા.
જામનગરમાં બપોરના ૧૧ થી ૫ દરમ્યાન ગરમી રહે છે. પરંતુ અન્ય શહેરો કરતા તાપમાન ઓછુ રહે છે એટલું જ નહિ સાંજે પવન ફુંકાય છે જેનાથી લોકોને રાહત મળે છે. કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર વધુમાં વધુ તાપમાન ૩૮ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૫.૨ ડીગ્રી, હવામાં ભેજ ૭૬ટકા, પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગઇકાલે કંડલામાં ૪૫.૪, અમરેલીમાં ૪૩.૫ ડીગ્રી તાપમાન રહ્યું હતું. આગામી દિવસોમાં દર વખતની જેમ મે મહિનામાં આકરો તાપ પડશે. કયાંક તો તાપમાન ૪૫ ડીગ્રીને પણ પાર કરી દેશે તેમ હવામાન ખાતુ કહે છે.
જામનગર જિલ્લાનાં અને દ્વારકા જિલ્લાનાં કેટલાક ગામોમાં આગામી દિવસોમાં હજુ વધુ ગરમી પડશે. કાલાવડ, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ખંભાળીયા, કલ્યાણપુર સહિતના ગામોમાં ગરમી પડશે. એટલું જ નહિ દિન પ્રતિદિન તાપમાનમાં પણ વધારો થશે. હવામાન ખાતુ કહે છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે આકરો તાપ વરસશે. આમ જામનગર જિલ્લામાં પવનને કારણે લોકોને રાહત થઇ છે પરંતુ ગઇકાલે પણ શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે દોઢ થી બે કલાક સુધી વીજળીરાણી ચાલી ગઇ હતી જેને કારણે લોકો અકળાઇ ઉઠયા હતા.