BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાએ છડી પોકારી...નલિયામાં 15.5, અમરેલીમાં 18.4 ડિગ્રીઃ હાડ થીજવતી ઠંડીની આગાહી

  • November 06, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં શિયાળાના આગમનની છડી પોકારતું વાતાવરણ જોવા મળે છે. ગઈકાલે લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થયા પછી આજે પણ વધુ ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો લઘુતમ તાપમાનમાં થયો છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 15.5 ડિગ્રી નોંધાયું છે. જે ગઈકાલની સરખામણીએ સાડા ત્રણ ડીગ્રી જેટલું ઓછું છે. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું હતું.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ તાપમાનમાં ઘટાડાનો સિલસિલો હજુ બે દિવસ ચાલુ રહેશે અને ગુજરાત સહિતના નોર્થ વેસ્ટના રાજ્યોમાં આ બે દિવસમાં વધુ ત્રણ થી પાંચ ડિગ્રી લઘુતમ તાપમાન નીચે ઉતરશે. સેન્ટ્રલ ઇન્ડિયાના રાજ્યોમાં બે દિવસ દરમિયાન બેથી ચાર ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નીચે ઉતરશે. રાજકોટમાં ગઈકાલે 20 અને આજે પણ 20 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત રહ્યું છે. ભાવનગરમાં સામાન્ય વધારા સાથે આજે ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં ગઈકાલે 17.2 અને આજે 18.4 ડીગ્રી લઘુતમ તાપમાન છે.


ગઈકાલની સરખામણીએ આજે ભુજમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજે 19 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ડીસામાં પણ ત્રણ ડિગ્રી જેટલા ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું છે. દીવમાં ગઈકાલે 19.7 અને આજે 19 દ્વારકામાં ગઈકાલે 23.4 અને આજે 23.2 કંડલામાં ગઈકાલે 22.5 અને આજે 21 પોરબંદરમાં ગઈકાલે 22 અને આજે 21.3 વેરાવળમાં ગઈકાલે 22.2 અને આજે 21.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.


વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજે પણ વધુ રહ્યું છે. અમરેલીમાં 93 વડોદરામાં 90 રાજકોટમાં 91 અને સુરતમાં 93% ભેજ આજે સવારે નોંધાયો છે, સરેરાશ ૧૦ થી ૧૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને સવારે ભેજવાળા વાતાવરણના કારણે શિયાળાની સિઝનનો અહેસાસ પણ થાય છે. તામિલનાડુ અને કર્ણાટક જેવા દક્ષિણના રાજ્યોને બાદ કરતા દેશભરમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે. ગુજરાતમાં આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન ક્યાંય સામાન્ય ઝાપટું પણ પડ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application