રાજકોટ શહેરમાં કાલે ભાદરવો ભરપૂર વરસ્યો હતો, ગઇકાલે ગણેશચતુર્થીએ સવારે ગણેશ સ્થાપન બાદ બપોરે ત્રણ વાગ્યાથી મેઘાડંબર વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ચાર વાગ્યા સુધીની ફ્ક્ત એક કલાકમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું ત્યારબાદ પણ સતત ઝરમર વરસાદ ચાલુ રહેતાં રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. એકંદરે રાજકોટમાં એક મહિનાના લાંબા વિરામ પછી વરસાદ આવતા શહેરીજનો ખુશખુશાલ થઇ ગયા હતા.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે સેન્ટ્રલ ઝોનમાં ૬૪ મીમી, વેસ્ટ ઝોનમાં ૬૦ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૫૪ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં ૪૭૮ મીમી (૧૯.૧૨ ઇંચ), વેસ્ટ ઝોનમાં ૫૧૪ મીમી (૨૦.૫૬ ઇંચ) અને ઇસ્ટ ઝોનમાં ૩૯૨ મીમી (૧૫.૬૮ ઇંચ) થયો છે.
વરસાદી પાણીના નિકાલમાં મહાપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય ફ્ક્ત અઢી ઇંચ વરસાદમાં બીઆરટીએસ રૂટ સહિત શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદથી એસ્ટ્રોન નાલે પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. જ્યારે પોપટપરાના નાલામાં તો પુર આવ્યું હતું. જંગલેશ્વર પાસે વોંકળાના પૂરમાં તણાતા નાગરિકને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયો હતો.