BREAKING NEWS

ખંભાળીયામાં વીજચોરી કેસમાં આરોપી મહિલાને ત્રણ વર્ષની સજા

  • December 03, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ ૧૧ માર્ચ ૨૦૨૪ ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન સલાયામાં પાણીના ટાંકા સામે ચેક પોસ્ટ આગળના ભાગે રહેતા હલીમાબેન અબ્દુલભાઈ ભગાડ નામના એક મહિલાના રહેણાંક મકાનમાં વીજતંત્ર દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં તેઓ પોતાના ઘરે કોઈ પણ પ્રકારનું વીજ મીટર ધરાવતા ન હોય અને ગેરકાયદેસર રીતે તેમણે પોતાના મકાનની બાજુમાં આવેલા પીજીવીસીએલ કંપનીના હળવા દબાણના વીજળીના પોલ પરથી અનઅધિકૃત રીતે પોતાનો સર્વિસ વાયર જોડીને ગેરકાયદેસર રીતે પોતાના ઘરે વીજ પુરવઠો મેળવ્યો હતો.


આમ, અનધિકૃત રીતે વીજ વપરાશ કરવામાં આવ્યો હોવાનું ચેકિંગ દરમિયાન ખુલતા તેમના દ્વારા રૂ. ૧૨,૩૭૦ જેટલી રકમની વીજ ચોરી કરી હોવાનું જાહેર થયું હતું. આને અનુલક્ષીને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આરોપી વિરુદ્ધ વીજચોરીની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તપાસ બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરાયું હતું.


આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ ઇલેક્ટ્રીક કોર્ટના જજ એસ.વી. વ્યાસ સમક્ષ ચાલી જતા આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ મહત્વના સાક્ષીઓની કરવામાં આવેલી તપાસને ધ્યાને લઈને પ્રિન્સિપલ સેશન્સ એન્ડ સ્પેશિયલ ઇલેક્ટ્રીક જજ એસ.વી. વ્યાસ દ્વારા આરોપી હલીમાબેન અબ્દુલભાઈ ભગાડને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદ તથા વીજ ચોરીની રકમનો છ ગણો રૂ. ૭૪,૨૧૯ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application