BREAKING NEWS

કૌટુંબિકો સમાધાન કરી પરત તેડીને જતા હતા ને કાળ ભરખી ગયો... કાલાવડના મોરીલા પાસે ઇકો પલ્ટી જતા મહિલાનું મોત: બેને ઇજા

  • November 17, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના મોરીલાના પાટિયા પાસે ઇકો કાર પલ્ટી મારી જતા મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઘવાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાલુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા બનાવના પગલે કાલાવડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. મૃત્યુ પામનાર પરિણીતાને પ્રેમી ભગાડીને કાલાવડ લઈ ગયો હોય ત્યાં બંને રહેતા હતા. બાદમાં સમાધાન કરી પરિણીતાને કૌટુંબિક ભાઈઓ કાલાવડથી લઈને પડધરી પરત આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.


સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ઇકો કાર પલ્ટી

પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને હાલ પડધરીના રામપરમાં રહી ખેત મજુરી કામ કરતા સમરાજ પવારભાઈ ભાભોર (ઉ.વ.30), મહેન્દ્રસિંહ મુનાભાઇ ભાભોર (ઉ.વ.20) અને કિરણબેન કારમશી માલી (ઉ.વ.20) ત્રણેય ઇકો કારમાં કાલાવડથી રામપર પડધરી જતા હતા. ત્યારે કાલાવડના મોરીલા ગામના પાટિયા પાસે પહોંચતા ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ઇકો કાર પલ્ટી મારી ગઈ હતી જેમાં સવાર મહિલા સહીત ત્રણેયને ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કિરણબેનનું મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


કિરણને વતનમાં રહેતો જુવાનસિંગ નામનો શખસ ભગાડી ગયો હતો

મૃતક કિરણને વતનમાં રહેતો કોઈ જુવાનસિંગ નામનો શખસ ભગાડી ગયો હતો અને બંને કાલાવડ પંથકમાં સાથે રહેતા હતા. ગઈકાલે સમાજના નીતિ નિયમ મુજબ પૈસાનો વહેવાર કરી સમાધાન કરી કિરણને કૌટુંબિકો પરત તેડવા માટે ગયા હતા ત્યાંથી લઈને રામપર જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. આગળની તપાસ કાલાવડ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application