રાજકોટની માધાપર ચોકડી પાસે ગઈકાલે રાત્રે બાઇક સ્લીપ થતા મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિ અને પુત્રીને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
બાજુમાંથી પસાર થતી ટ્રક જોઈ બાઇકચાલક ગભરાઇ ગયા
મળતી માહિતી મુજબ, રાત્રીના સમયે કેતનભાઇ બાબુભાઈ ભટ્ટી (ઉં.વ.41) પોતાના પત્ની રૂપલબેન કેતનભાઇ ભટ્ટી (ઉં.વ.38) અને દીકરી મિસરી કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.13) બાઇકમાં સંબંધીના લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન માધાપર ચોકથી બેડી જવા રસ્તા તરફ બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે બાજુમાંથી ટ્રક પસાર થતા બાઈક ચાલક કેતનભાઈ ગભરાઈ જતા વાહન સ્લીપ થયું હતું અને પરિવારના ત્રણેય સભ્યો નીચે પટકાયા હતા, જેમાં ગંભીર રીતે ઘાયલ રૂપલબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિ કેતનભાઈ અને દીકરી મિસરી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.