રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં ૧૫૦ ફુટ રોડ નજીક આવેલા ધરમનગર વિસ્તારમાં ત્રણ વર્ષથી ભાંગેલા રોડની સમસ્યા હોય અને ચોમાસુ વિતવા છતાં કોઈ પરિણામ ન આવતા ગઇકાલે વિસ્તારના બહેનોએ રસ્તા રોકો આંદોલન કર્યુ હતું. ભાજપના મહિલા કાર્યકરે જ પોતાને હવે જવાબ આપવો ભારે પડતો હોવાની ફરિયાદ કરી હતી.
ધરમનગર વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉથી પાણીની ડીઆઇ પાઇપલાઇન નાંખવાનું કામ ચાલે છે. બે-બે ચોમાસા વિતવા છતાં પાઈપલાઇન પાથર્યા બાદના ખાડા પૂરવા કે નવા રોડ કરવાના કામ થતા નથી. હવે લોકોની ધીરજ ખુટતા ગત સાંજે બહેનો વિસ્તારમાં એકઠા થયા હતા અને રોડ પર રસ્તા રોકો આંદોલન કર્યુ હતું.
ભાજપના એક મહિલા કાર્યકરે કહ્યું હતું કે તેઓ પાસે લોકો અવારનવાર રજુઆત લઇને આવે છે. લોકોની તકલીફ નજરે દેખાય એવી છે. પાઇપલાઇનનું કામ કયારે પુરૂ થશે અને કયારે પાકો રોડ બનશે તે લોકો પૂછી રહ્યા છે. થોડા દિવસો પહેલા નળની પાઇપલાઇન પણ ચાલુ કામે તોડી પાડી હતી. ભાંગેલા રસ્તા પર મેટલ-મોરમના બદલે માટી નાંખી દેવામાં આવે છે જેનાથી ગારો થાય છે. એક વખત મોરમના બદલે માટી નાંખી જવાતા બીજા જ દિવસે ટ્રેકટરમાં ભરવાની ફરજ પડી હતી.
આ અંગે કોન્ટ્રાકટરને રજુઆત કરવામાં આવતા તેઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. હવે વિસ્તારના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ભાંગેલા રસ્તાની આ સમસ્યા દુર કરે અને પાઇપલાઇનનું કામ પૂર્ણ કરે તેવી રજુઆત થઇ છે.