રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે જેસીબીના પંજા ચાલતાની સાથે જ વર્ષો જૂના આશિયાનાઓ પળવારમાં જમીનદોસ્ત થઈ ગયા હતા. પોતાની નજર સામે જ લોહી-પરસેવાની કમાણીથી બનાવેલું ઘર તૂટતું જોઈને સ્થાનિક મહિલાઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. સમગ્ર વિસ્તારમાં મહિલાઓના કરુણ આક્રંદ અને પોક મૂકવાના અવાજોથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
કોણ કોને સાંત્વના આપે?
જંગલેશ્વરમાં જ્યારે ઐતિહાસિક મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે દરેક ગલીમાં લાચારી અને વેદનાના દ્રશ્યો જોવા મળ્યા હતા. હજારો પરિવારો એકસાથે બેઘર થતા એવી સ્થિતિ સર્જાઈ હતી કે કોણ કોને સાંત્વના આપે? વર્ષોથી પડોશમાં રહેતી મહિલાઓ એકબીજાને વળગીને રડતી જોવા મળી હતી. 60-60 વર્ષથી જે ઘરમાં સંસાર માંડ્યો હતો તે ઘરને કાટમાળમાં ફેરવાતું જોઈ મહિલાઓ આક્રોશ અને દુઃખ વ્યક્ત કરી રહી હતી.
છેલ્લી ઘડીની વેદના
ઘણા પરિવારોએ સરકારી આદેશને માન આપી ઘર ખાલી તો કરી દીધા હતા, પરંતુ યાદોના ભાથા સમાન ઘરની દિવાલોને પડતી જોઈ તેઓ હૈયાફાટ રુદન રોકી શક્યા નહોતા. તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહિલાઓની લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ડિમોલિશનમાં ઈંટો તો તૂટી જ છે, પણ તેની સાથે અનેક મહિલાઓના હૈયા પણ વલોવાઈ ગયા છે.