BREAKING NEWS

વાયદા બજારમાં મહિલા ટ્રેડર્સનો દબદબો, પુરુષોની સરખામણીએ ઓછો લોસ કરે છે

  • August 24, 2026 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) ટ્રેડિંગમાં નાના અને છૂટક રોકાણકારો માટે ખોટ જવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ડેરિવેટિવ ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોને કુલ રૂ.૯૧,૬૮૫ કરોડનું વિરાટ નુકસાન થયું છે. આ જોખમી બજારમાં હવે મહિલા રોકાણકારોની ભાગીદારી પણ ઝડપથી વધી રહી છે. જોકે, રસપ્રદ વાત એ છે કે ટ્રેડિંગના આ નુકસાનના ખેલમાં પુરુષ ટ્રેડર્સની સરખામણીએ મહિલા ટ્રેડર્સને પ્રમાણમાં ઓછું નુકસાન સહન કરવું પડ્યું છે.

આંકડા દર્શાવે છે કે એફ એન્ડ ઓ માર્કેટમાં કુલ ટ્રેડર્સમાં મહિલાઓની હિસ્સેદારી વર્ષ ૨૦૨૧-૨૨ના ૧૪.૯ ટકાથી વધીને ૨૦૨૫-૨૬માં ૧૭.૧ ટકા સુધી પહોંચી ગઈ છે. દેશમાં રહેલા કુલ ૭૬.૫૦ લાખ એક્ટિવ એફ એન્ડ ઓ ટ્રેડર્સમાંથી હાલ ૧૩.૧૦ લાખ મહિલાઓ છે. જ્યારે નુકસાન કરતા સોદાઓની વાત કરવામાં આવે તો પુરુષ ટ્રેડર્સના ૮૯ ટકા સોદાઓમાં નુકસાન થયું છે, જેની સામે મહિલા ટ્રેડર્સના ૮૪.૭ ટકા સોદા ખોટમાં રહ્યા છે. સરેરાશ નુકસાનના મામલે પણ પુરુષોનો સરેરાશ ઘાટો રૂ.૧,૧૬,૧૧૭ રહ્યો છે, જ્યારે મહિલા ટ્રેડર્સનો સરેરાશ ઘાટો રૂ.૧,૧૫,૯૯૫ નોંધાયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રતિ ટ્રેડર સરેરાશ નુકસાનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રતિ ટ્રેડર સરેરાશ નુકસાન રૂ.૯૧,૦૦૦ હતું, જે ૨૦૨૩-૨૪માં રૂ.૮૬,૭૨૮, ૨૦૨૪-૨૫માં વધીને રૂ.૧,૧૦,૦૦૦ અને ૨૦૨૫-૨૬માં વધીને રૂ.૧,૧૭,૦૦૦ સુધી પહોંચી ગયું છે. આ આંકડા દર્શાવે છે કે બજારમાં ઉતરેલા ૯૯.૩ ટકા વ્યક્તિગત ટ્રેડર્સે ઓછામાં ઓછું એકવાર ઓપ્શન્સમાં ટ્રેડ કર્યો છે, અને ૯૩ ટકા ટ્રેડર્સ માત્ર ઓપ્શન્સમાં જ ટ્રેડિંગ કરે છે, જ્યારે ફ્યુચર્સમાં તેમની ભાગીદારી ખૂબ મર્યાદિત છે.

રિપોર્ટ અનુસાર, ઓપ્શન્સ ખરીદનારા ૯૦ ટકા ટ્રેડર્સને ભારે આર્થિક ફટકો પડે છે. આ ભારે નુકસાન પાછળનું મુખ્ય કારણ એક્સપાયરીના દિવસે વધુ પડતું ટ્રેડિંગ કરવું, કોઈ સુનિશ્ચિત સ્ટ્રેટેજી વગર માત્ર દિશાત્મક અંદાજો લગાવવા અને ક્ષમતા કરતાં વધુ મોટી પોઝિશન ઊભી કરવી છે. સેબી અને બજારના નિષ્ણાતો રોકાણકારોને પૂરતી સમજણ અને આયોજન વગર આવા જોખમી ટ્રેડિંગથી દૂર રહેવા સતત ચેતવણી આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application