BREAKING NEWS

ન્યૂ રિંગ રોડ ફોર ટ્રેક પ્રોજેક્ટનું ઘંટેશ્વર તરફનું કામ અટક્યું; મામલો સરકારમાં

  • January 06, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના ન્યૂ રિંગ રોડને ફોર ટ્રેક પ્રોજેકટનું ઘંટેશ્વર તરફનું કામ છેલ્લા ત્રણ ચાર મહિનાથી જેટકોની ૧૨૮ કેવીની હાઇ ટેન્શન લાઇન અને વીજ થાંભલાના સ્થળાંતરને કારણે અટકી પડ્યું છે. લાઇન અંડર ગ્રાઉન્ડ કરવા તેમજ થાંભલાને સ્થળાંતરિત કરવા કુલ રૂ.૨૩ કરોડની રકમ ભરપાઈ કરવી પડે તેમ છે જે માટેની ગ્રાન્ટ સરકારે મંજૂર કરી છે પરંતુ ગ્રાન્ટ પ્રક્રિયામાં અટકવાને કારણે હજુ સુધી મળી ન હોય ઘંટેશ્વર તરફનો રોડ ફોર ટ્રેક બનાવવાનું કામ અટકી પડ્યું છે અને દરરોજ ત્યાંથી પસાર થતા એકાદ લાખ વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.

દરમિયાન ગઇકાલે રાજકોટ આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ મનપાના પદાધિકારીઓ સાથેની વાતચીતમાં રાજકોટના કોઈ કામ સરકાર લેવલ પેન્ડિંગ હોય તો કહેવા જણાવ્યું હતું જે અંતર્ગત ડે.મેયર નરેન્દ્રસિંહ પી.જાડેજા દ્વારા ઉપરોક્ત મામલે રજૂઆત કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રીએ ત્વરિત સંબંધિત અધિકારીઓને સુચના આપી વ્હેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ રિંગ રોડ ફોર ટ્રેકના પ્રોજેક્ટ અંતર્ગત જામનગર રોડ ઉપર ઘંટેશ્વર તરફથી આગળના રસ્તે જેટકો કંપનીની ૧૨૮ કેવીની હાઇ ટેન્શન લાઇન તેમજ ત્રણ વીજ પોલ નડતરરૂપ હોય ઘંટેશ્વર નજીકનું કામ છેલ્લા ઘણાં મહિનાથી અટકી પડ્યું છે. હાલ અંદાજે ૪૦૦ મીટર જેટલા રસ્તાનું કામ અટક્યું હોવાનું જાણવા મળે છે. છેલ્લાં ઘણાં સમયથી ૪૦૦ મીટરના આ રસ્તાનું કામ પડતું મૂકીને પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવ્યો છે.

સમયાંતરે પ્રોજેક્ટ રિવ્યૂ કે પ્રોજેક્ટની સાઇટ વિઝીટ જેવી કાર્યવાહી થતી ન હોય કોન્ટ્રાક્ટ એજન્સીઓના ભરોસે કામગીરી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application