રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ગઇકાલે માલ ઉતારવા મામલે ઇન્સ્પેક્ટરો અને મજૂરો વચ્ચે બબાલ થતા મજૂરોએ વિજળીક હડતાલ પાડી હતી. દરમિયાન ચેરમેન જયેશભાઇ બોઘરા તેમજ વેપારી વિભાગના ડિરેક્ટર્સની સફળ મધ્યસ્થીથી ગત સાંજે મામલો થાળે પડતા આજે સવારથી હરરાજી સહિતના કામકાજ રાબેતા મુજબ શરૂ થયા હતા અને વેપાર ધંધા ધમધમ્યા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તેમજ વેપારી વિભાગના ડિરેક્ટર્સ દિલીપભાઇ પનારા, અતુલભાઇ કમાણી, સંદીપભાઈ લાખાણી તેમજ રજનીશભાઇ રવેશિયા સહિતનાઓની મધ્યસ્થીથી મજૂરો અને ઇન્સ્પેક્ટરો વચ્ચે સુખદ સમાધાન થતા આજે વહેલી સવારથી હરરાજી સહિતના કામકાજ શરૂ થયા હતા. ગઇકાલે હડતાલ બાદ જણસીઓની આવકો બંધ કરાઇ હોય આજે પડતર માલનો તોલ કરાયો હતો. જ્યારે આજથી આવકો ફરી શરૂ કરતા આવતીકાલની હરરાજીમાં પુષ્કળ આવક થશે. તા.૨૦થી એક સપ્તાહ સુધી યાર્ડ બંધ રહેશે.
યાર્ડમાં દિવાળીની એક સપ્તાહની રજા
દિવાળીના તહેવારો નિમિતે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ તા.૨૦થી ૨૫ ઓક્ટોબર, શાકભાજી વિભાગ તા.૨૦થી ૨૫ ઓક્ટોબર, બટેટા વિભાગ તા.૨૧થી ૨૪, ડુંગળી વિભાગ તા.૨૦થી ૨૫ તેમજ ઘાસચારા વિભાગ તા.૨૦થી ૨૫ ઓક્ટોબર સુધી બંધ રહેશે