વ્યકિતગત અદાવત, નાની બાબતે થયેલો ઝઘડો, અપમાનની લાગણી અથવા સરળતાથી પૈસા કમાવવાની લાલચ વ્યકિતને ગુનાના રસ્તે દોરી શકે છે. દિલ્હીમાં વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં પ્રથમવાર ગુનો કરનારા આરોપીઓની ધરપકડના આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. દિલ્હી પોલીસના આંકડા અનુસાર, ગયા વર્ષની સરખામણીએ હત્યા, હત્યાના પ્રયાસ અને લૂંટના કેસમાં પ્રથમવાર ગુનો કરનારા આરોપીઓની ધરપકડમાં વધારો થયો છે. જોકે, બળાત્કાર, પોકસો અને ખંડણી સહિતના કેટલાક ગુનાઓમાં આવા આરોપીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
દિલ્હી પોલીસના ૩૦ જૂન સુધીના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં હત્યાના કેસમાં ૬૧૪ પ્રથમવારના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે વર્ષ ૨૦૨૬માં વધીને ૬૯૪ થઈ હતી. હત્યાના કેસમાં કુલ ધરપકડનો આંકડો પણ ૬૪૯થી વધીને ૭૩૦ થયો છે. કુલ ધરપકડમાં પ્રથમવારના આરોપીઓનું પ્રમાણ ૨૦૨૫માં ૯૪.૬ ટકા હતું, જે ૨૦૨૬માં વધીને ૯૫ ટકા થયું છે.
હત્યાના પ્રયાસના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૫માં ૭૩૧ પ્રથમવારના આરોપીઓની ધરપકડ થઈ હતી, યારે ૨૦૨૬માં આ સંખ્યા વધીને ૭૬૯ થઈ હતી. આ કેસમાં કુલ ધરપકડ ૮૭૪થી વધીને ૮૯૦ થઈ છે. કુલ ધરપકડમાં પ્રથમવારના આરોપીઓનું પ્રમાણ ૮૩.૬ ટકાથી વધીને ૮૬ ટકા થયું છે.
લૂંટના કેસમાં વર્ષ ૨૦૨૫માં ૧,૦૦૯ પ્રથમવારના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬માં આ સંખ્યા વધીને ૧,૦૮૩ થઈ હતી. જોકે, લૂંટના કેસમાં કુલ ધરપકડ ૧,૩૬૬થી ઘટીને ૧,૩૪૫ થઈ છે. બીજી તરફ, ઝૂંટવી લેવાના ગુનાઓમાં પ્રથમવારના આરોપીઓની ધરપકડ ૧,૭૧૧થી ઘટીને ૧,૬૩૪ થઈ હતી, યારે કુલ ધરપકડ ૨,૧૧૨થી વધીને ૨,૧૮૯ થઈ હતી.
બળાત્કાર અને પોકસો સંબંધિત કેસમાં પ્રથમવારના આરોપીઓની ધરપકડ ૧,૦૭૩થી ઘટીને ૮૮૮ થઈ હતી. કુલ ધરપકડ પણ ૧,૦૮૫થી ઘટીને ૯૦૧ થઈ હતી. છેડતીના કેસમાં પ્રથમવારના આરોપીઓની ધરપકડ ૧,૩૭૬થી ઘટીને ૧,૦૨૬ થઈ હતી. ખંડણીના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ ૨૦૨૫માં ૧૪૯ પ્રથમવારના આરોપીઓની ધરપકડ થઈ હતી, જે ૨૦૨૬માં ઘટીને ૭૪ થઈ હતી.