BREAKING NEWS

અસિતા ફર્નાન્ડો સાથે માથું ભીડાવવું જયસ્વાલને મોંઘું પડ્યું: રૂ.3.5 લાખનો દંડ અને ડિમેરિટ પોઈન્ટ મળ્યો

  • August 24, 2026 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલંબો ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ આઈસીસી (ICC) દ્વારા બંને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મેચના પ્રથમ દિવસે જયસ્વાલ આઉટ થયો તે સમયે શ્રીલંકન બોલર અસિતાએ તેના તરફ કંઈક કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલો ભારતીય બેટ્સમેન બોલર નજીક પહોંચ્યો હતો અને તેની સાથે માથું ભીડાવીને બોલાચાલી કરી હતી. મેચ અમ્પાયરોએ આ વર્તનની તાત્કાલિક નોંધ લીધી હતી અને બંને ખેલાડીઓને આચારસંહિતાના ભંગ બદલ દોષિત ઠેરવ્યા છે.


મેચ રેફરીના નિર્ણય મુજબ, ડાબોડી ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ પર તેની મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતમાં એક ટેસ્ટ મેચની ફી ₹૧૫ લાખ હોવાથી જયસ્વાલે આશરે ₹૩.૫ લાખનો દંડ ચૂકવવો પડશે. બીજી તરફ, શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડોની મેચ ફીમાંથી પણ ૨૫ ટકાની કપાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શ્રીલંકામાં ખેલાડીઓની મેચ ફી ટેસ્ટના પરિણામ પર આધારિત હોવાથી તેની કપાતની રકમ ભારતીય ખેલાડી કરતાં અલગ રહેશે.


માત્ર નાણાકીય દંડ જ નહીં, પરંતુ બંને ખેલાડીઓને આચારસંહિતાની કલમ ૨.૧૨ ના ઉલ્લંઘન બદલ ૧-૧ ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના ઈનિંગ્સની ૧૭મી ઓવરમાં બની હતી, જ્યાં બોલ ફેંક્યા બાદ ફર્નાન્ડોએ જયસ્વાલ સામે કંઈક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ જયસ્વાલ તેની નજીક જતાં બોલરે પોતાનું માથું જયસ્વાલ તરફ લંબાવ્યું હતું, અને જવાબમાં જયસ્વાલે પણ આગળ ઝૂકીને માથું ભીડાવ્યું હતું.


આ ઘટના બાદ બંને ખેલાડીઓએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. ખેલાડીઓએ પોતાના ગુનાની કાયદેસર કબૂલાત કરી હોવાના કારણે આ મામલે કોઈ ફોર્મલ સુનાવણી હાથ ધરવાની જરૂર પડી નહોતી. રમત દરમિયાન ખેલાડીઓ દ્વારા કરવામાં આવતા આ પ્રકારના અયોગ્ય વર્તન સામે આઈસીસી કડક વલણ અપનાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application