BREAKING NEWS

પોરબંદરમાં યુવાન ઉપર પત્ની અને પ્રેમી એ કર્યો હુમલો

  • November 24, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં એક યુવાન ઉપર તેની પત્ની અને તેના પ્રેમી એ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક શ્રીજી પાર્કમાં રહેતા અને તેના સસરાના મીઠાઈના બોક્સના ગોડાઉનમાં મજૂરી કામ કરતા વિશાલ હરીશભાઈ ગોહેલ નામના ૩૨ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ લોઢારીની દીકરી ડેનિશા સાથે આઠ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં એક બાળકી પણ છે. તેની પત્ની ડેનિશા બ્યુટી પાર્લર હોમ સર્વિસ નું કામ કરે છે. એક વર્ષ પહેલા ડેનિશાને તેના પાર્લરના ઓર્ડર ના કામ માટે રોકડિયા હનુમાન વિસ્તારમાં વિશાલ મુકવા ગયો ત્યારે તેની પત્ની ડેનીશા એ વાસુદેવ જનરલ સ્ટોર પાસે રહેતી તેની મિત્ર દીશા ભાદ્રેચા સાથે મુલાકાત કરાવી હતી. ત્યાર પછી ફરિયાદી વિશાલ ની પત્ની ડેનિશા અવારનવાર દિશાના ઘરે જતી અને રાત્રે હાઇવે હોટલ પર નાસ્તો કરવા જઈએ છીએ તેમ કહીને મોડે સુધી ઘરે પરત આવતી ન હતી.
આથી ફરિયાદી વિશાલ ગોહિલને કશુક અજુગતું હોવાનું લાગતા ચાર પાંચ મહિના પહેલા પત્ની ડેનિશાનો ફોન ચેક કરતા એવું જાણવા મળ્યું હતું કે ડેનિશા દિશાના પતિ અંકુશ ભાદ્રેચા સાથે પ્રેમ સંબંધમાં છે. આથી આ યુવાન ચોકી ઉઠ્યો હતો. અને થોડા દિવસો પહેલા તે માધવાણી કોલેજ તરફ જતો હતો ત્યારે પણ તેણે તેની પત્ની ડેનિશાને અંકુશ સાથે જોઈ હતી.
આથી વિશાલ ગોહેલે તેના માતા પિતા અને સાસુ સસરાને આ બાબતની વાતચીત કરી હતી અને બધાએ ડેનિશાને સમજાવી હતી પરંતુ તે સમજી ન હતી આથી દોઢ એક મહિના પહેલા ફરિયાદી વિશાલ અને તેના સસરા ગોવિંદભાઈ લોઢારીએ અંકુશ ભાદ્રેચા ના ઘરે જઈને તેઓને પણ સમજાવ્યા હતા.
તારીખ ૨૦ નવેમ્બરના રાત્રે ૧૦:૩૦ વાગ્યે ડેનિશાની કોઈ મિત્ર ના લગ્ન અનુસંધાને ખારવાવિદ્યાર્થી ભવન ખાતે દાંડીયારાસ હોવાથી ફરિયાદી અને તેના પત્ની અને પુત્રી ત્યાં ગયા હતા. ત્યારબાદ ફરિયાદી તેના પત્ની અને પુત્રીને ત્યાં મૂકીને છાયાના રણ વિસ્તારમાં આવેલા સસરાના ગોડાઉન ખાતે કામ કરવા માટે ગયો હતો.
રાત્રે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં પત્નીનો મેસેજ આવતા ફરિયાદી ત્યાં ગયો હતો અને ત્યાંથી તેની દીકરીને તેડીને ઘરે સુવડાવી હતી એ પછી પોણા એક વાગ્યે સ્કૂટર લઈને તેની પત્નીને તેડવા ગયો હતો પરંતુ તેની પત્ની ત્યાં મળી ન હતી અને તેનું સ્કૂટર પણ દેખાયું ન હતું આથી આ યુવાન તેની પત્નીને શોધતો શોધતો એકાદ વાગ્યાના અરસામાં પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ પ્લાઝા ગાર્ડન પાસે પહોંચ્યો ત્યારે તેની નજરે એવા દ્રશ્યો ચડ્યા કે તે ચોકી ઉઠ્યો હતો.
તેની પત્ની ડેનિશા અને અંકુશ ભાદ્રેચા ગાર્ડનની પાસે રસ્તાની સાઈડમાં અંધારામાં એકબીજાને આલિંગન આપીને બેઠા હતા આથી ફરિયાદીએ ત્યાં જઈને તેની પત્ની ડેનિશાને એવું કહ્યું હતું કેતારે શું કરવું છે? તું કેમ સમજતી નથી? પરંતુ ડેનિશા કશું જ બોલી ન હતી આથી ફરિયાદી એ તેની પત્નીનો હાથ પકડીને ઘરે આવવાનું જણાવતા પત્નીનો પ્રેમી અંકુશ ભાદ્રેચા ઉશ્કેરાઈ ગયો હતો અને વિશાલ ગોહેલને ગાળો દઈને લાફો મારી એવું કહ્યું હતું કેતું અહીંથી ચાલ્યો જા નહીંતર તને મારી નાખીશ
આથી ફરિયાદી પોતાનો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવા જતા અંકુશે સ્કૂટરની ડેકીમાંથી છરી કાઢી હતી અને ફરિયાદીને મારવા ગયો ત્યારે બચાવમાં તેણે હાથ ઊંચો કરતા છરી નીચે પડી ગઈ હતી. ત્યારબાદ અંકુશે હાથમાં પહેરેલા ધાતુના કડા વડે ફરિયાદીને બેફામ માર માર્યો હતો અને તેની પત્ની ડેનીશા એ પણ પેટના ભાગે ઢીકા પાટુનો માર મારી ઇજા કરી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને ફરિયાદી બેભાન થઈ ગયો હતો.
થોડા સમય પછી વિશાલ ભાનમાં આવ્યો એટલે તેણે તેના મિત્ર જય ટોડરમલ ને ફોન કર્યો હતો અને જય ત્યાં આવી ગયા બાદ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મિત્રને લઈ આવ્યો હતો અને ત્યાં તેની સારવાર ચાલુ છે. 
હોસ્પિટલમાંથી તેણે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અંકુશ ભાદ્રેચા સાથે તેની પત્ની ડેનિશા પ્રેમ સંબંધમાં છે તેથી ડેનિશા પરણેલી હોવા છતાં તેની સાથે ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે અંકુશ ભાદ્રેચાએ તેને રોકી રાખતા અને ફરિયાદી તેની પત્નીને લેવા જતા તેને માર મારતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પત્ની ડેનિશા ગોવિંદ લોઢારી અને તેના પ્રેમી અંકુશ ભાદ્રેચા સામે એફઆઇઆર નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application