રાજકોટમં લુખ્ખાઓ અને માથાભારે શખસોને પોલીસનો કોઇ ખૌફ જ ન હોય તેમ કાયદાની ક્રુર મજાક ઉડાવી રહ્યા છે. આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. આજીવસાહત પાસે આંબેડકરનગરમાં રહેતા યુવાનની સોપારી આપી તેના પર સિવિલ હોસ્પિટલ સહિત ત્રણ સ્થળે હુમલો કરી તેને તેના મિત્ર અને ભાઇને ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં થોરાળા પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં યુવાનને ધમકી આપી હતી.
શહેરના આજી વસાહત પાસે આંબેડકરનગર શેરી નંબર-૧ માં રહેતા ગિરધરભાઈ પુજાભાઈ સોલંકી (ઉ.વ. 37) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌરવ ઉર્ફે ગવો શક્તિભાઈ રાઠોડ, પ્રકાશ, પ્રકાશની પત્ની, પ્રકાશનો ભાઈ દિપકની પત્ની અને હિતેશ ઉર્ફે ટકોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 24/11 ના રાત્રીના તે આજી વસાહત કામાણી ફાઉન્ડ્રી શિવ શક્તિ કિચન વેર પાસે એક્સેસ પર બેસી મોબાઈલ પર વાતચીત કરતો હતો. ત્યારે ગૌરવ ઉર્ફે ગવો રાઠોડ તેની પાસે આવ્યો હતો અને કંઈ કહ્યા વગર છરી વડે હુમલો કરવા આવેલ અને કહ્યું હતું કે, આજે તો તને જાનથી જ મારી નાખવો છે. યુવાનની નજર પડી જતા તે ખસી ગયો હતો ત્યારબાદ ગૌરવએ ફરી છરી વડે હુમલો કરતા યુવાને હાથ આડો રાખતા પંજાના ભાગે ઈજા થઈ હતી. જેથી યુવાને તેને કહ્યું હતું કે, શું કામ મારી ઉપર છરીથી હુમલો કર્યો? જેથી ગૌરવે કહ્યું હતું કે પ્રકાશે મારી નાખવાની સોપારી આપી છે. જેથી યુવાને કહ્યું હતું કે, પ્રકાશ ક્યાં છે તો ગૌરવે કહ્યું હતું કે તે બાજુની શેરીમાં ઉભો છે જેથી યુવાન ગૌરવને સાથે લઇ પ્રકાશ જ્યાં ઉભો હતો ત્યાં જતા પ્રકાશ અને ગૌરવ બંને કહ્યું હતું કે, આજે તો તને જાનથી જ મારી નાખવો છે તેવી ધમકી આપી ઝપાઝપી કરી હતી. બૂમાબૂમ થતા અહીં લોકો એકત્ર થતા પ્રકાશે છરી ઝુંટવી લઈને નેફામાં રાખી દીધી હતી.
યુવાન અહીંથી તેની દીકરીને ટ્યુશન લેવા માટે નીકળી ગયો હતો દીકરીને લઈ પોણા નવેક વાગ્યે ઘરે આવ્યો હતો દરમિયાન શેરીમાં રહેતા ધવલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે પ્રકાશ મારી પાછળ છરી લઈને હુમલો કરવા દોડયો છે જેથી યુવાન રેન બસેરા પાસે જતા ધવલ ત્યાં હાજર ન હતો અને પ્રકાશ તથા ત્રણ અજાણ્યા શખસો ત્યાં ઉભા હતા થોડીવાર પછી પ્રકાશની પત્ની તેના ભાઈ દીપકની પત્ની હિતેશ ઉર્ફે ટકો આવી ગયા હતા. બાદમાં ચારેય યુવાને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન પ્રકાશે છરીનો ઊંધો ઘા મારતા યુવાને ડાભી આંખ પર ઈજા થઈ હતી અને હિતેશે ફડાકા માર્યા હતા યુવાન જેમતેમ કરી થોરાળા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં પણ પ્રકાશે આવી પોલીસ સ્ટેશનમાં યુવાનને ધમકી આપી હતી. બાદમાં યુવાન 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયો હતો.
રાત્રિના 2:00 વાગ્યા આસપાસ પ્રકાશ તથા તેની પત્ની, હિતેશ ઉર્ફે ટકો અને અજાણ્યા બે શખસો અહીં આવી યુવાન સાથે ગાળાગળી કરવા લાગ્યા હતા અને પ્રકાશએ ફડાકા માર્યા હતા આ વખતે યુવાનનો ભાઈ રમેશ સોલંકી અહીં હાજર હોય અને તે મોબાઇલ ફોનમાં વિડીયો ઉતારતો હતો તે વખતે પ્રકાશની પત્નીએ યુવાનના ભાઈ પાસેથી મોબાઈલ ઝૂંટવી લઈ દિવાલમાં ઘા કરતા ફોન તૂટી ગયો હતો અને ઝપાઝપીમાં યુવાનનુ જેકેટ પણ ફાટી ગયું હતું. બાદમાં પ્રકાશે છરીથી હુમલો કરવા જતા યુવાનના કૌટુંબિક ભાઈ પ્રવીણ મકવાણાએ તેને પકડવા જતા તેના હાથમાં પણ ઈજા પહોંચી હતી તે બાબતે ધવલે 112 ને ફોન કર્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં બનેલા આ બનાવ અંગે જે તે સમયે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
યુવાને વધુમાં જણાવ્યું હતું કે, તેની શેરીમાં રહેતા તેના મિત્ર ધવલ મકવાણા સાથે પણ આરોપીઓ ઝઘડો કર્યો હોય તે બાબતે ધવલે થોરાળા પોલીસ સ્ટેશનમાં તારીખ 24/11 ના ફરિયાદ નોંધાવી હોય જે ગુનામાં યુવાને સાક્ષી તરીકે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હોય પરંતુ યુવાન સાથે થયેલ બનેલા બનાવ અંગે તેણે બાદમાં આ અંગે અલગથી ફરિયાદ નોંધાવી છે.