BREAKING NEWS

શાપરમાં પત્નીને પરેશાન કરનાર પાડોશી શખ્શને ટપારતા યુવક પર પાઇપથી હુમલો

  • October 13, 2026 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શાપરમાં પત્નીની પજવણી કરનાર પાડોશી શખસને સમજાવવા જતા યુવાન પર પાઇપ વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. શાપર વેરાવળમાં રામદેવનગરમાં રહેતા કોન્ટ્રાક્ટર રાહુલ અરવિંદભાઈ દેગડા (ઉ.વ.26) દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા સાગર મહાવદિયાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના એકાદ વાગ્યા આસપાસ તે ઘરે જમવા ગયો હતો ત્યારે જમતા જમતા પત્ની રીંકલે વાત કરી હતી કે, આપણા પાડોશમાં રહેતા સાગર મહાવદિયા ગઈકાલ સવારના દસેક વાગ્યે હું ચાલીને રામદેવનગરથી શાંતિધામ જતી હતી ત્યારે એસઆઈડીસી રોડ પર સાગરે મારી પાસે ગાડી ઉભી રાખી હતી તેવી વાત પત્નીએ કરી હતી. બાદમાં યુવાન પાડોશી શખસ સાગર મહાવદીયાને આ બાબતે ચોખવટ કરવા તેના ઘરે ગયો હતો અને વાત કરી હતી કે તું મારી પત્ની રીંકલ ચાલીને જતી હતી તો કેમ ગાડી ઉભી રાખતો હતો. આ સાંભળી સાગર ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ બોલવા લાગ્યો હતો ત્યારબાદ યુવાનને ઢીકાપાટુનો માર મારી ગાળો આપવા લાગ્યો હતો. ગાળો આપવાની ના પાડતા ઘરની બહાર પડેલા લોખંડના પાઇપ વડે યુવાન પર હુમલો કરી દેતા યુવકને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં સાગર અહીંથી જતો રહ્યો હતો ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ અંગે પાડોશી શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application