ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા એક રબારી પરિવારના કુટુંબીજનો લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે સ્કોર્પિયો કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનતા આ ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થવા પામ્યું હતું. જ્યારે અન્ય પાંચને ઈજા પહોંચતી હતી.
આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા રબારી સાંગાભાઈ કોડીયાતરના પરિવારજનો ગઈકાલે બુધવારે મોડપર ગામે એક લગ્ન પ્રસંગ પૂર્ણ કરી અને બપોર પછી મોડપર ગામેથી પાછતરડી ગામે પરત ફરી રહ્યા હતા. જી.જે. ૩૭ બી. ૬૬૮૮ નંબરની એક સ્કોર્પિયો મોટરકારમાં લાખાભાઈ સાંગાભાઈ કોડીયાતર ૨૪), પુંજાભાઈ કારાભાઈ, કારૂભાઈ પુંજાભાઈ, ડાયાભાઈ નગાભાઈ, ખીમાભાઈ મેસુરભાઈ અને રૂડાભાઈ રાજાભાઈ વિગેરે સાથેની આ સ્કોર્પિયો કારને પુંજાભાઈ કારાભાઈ કોડીયાતર ચલાવી રહ્યા હતા.
સ્કોર્પિયો કાર બપોરના સમયે ભાણવડથી આશરે ૬ કિલોમીટર દૂર મોખાણા ગામની એક ફેક્ટરી પાસે પહોંચતા આ સ્કોર્પિયોને તેના ચાલક પુંજા કોડીયાતરે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા એકાએક આ સ્કોર્પિયો પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં જઈ રહેલા લાખાભાઈ સાંગાભાઈ કોડીયાતર (ઉ.વ. ૨૪) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ સાથે ભાણવડની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે મૃતક લાખાભાઈના કુટુંબી કાકા ભીમાભાઈ પરબતભાઈ કોડીયાતર (ઉ.વ. ૩૬, રહે. પાછતરડી)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સ્કોર્પિયો કારના ચાલક પુંજાભાઈ કોડીયાતર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. બી.કે. કડછા દ્વારા હાથ ધરવામાં આવી છે.