સોશિયલ મીડિયામાં કરેલી એક કોમેન્ટથી ક્યારેક મારામારી, અથડામણ સહિતના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા યુવાને સોશિયલ મીડિયામાં કરેલી વાંધાજનક કોમેન્ટ બાબતે તેને સેટેલાઈટ ચોકમાં મળવા બોલાવી તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે જૂના માર્કેટિંગ યાર્ડ પાસે નરસિંહનગરમા રહેતા માનવભાઈ મુકેશભાઈ સોલંકી(ઉ.વ 18)એ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધવલ અને તેના બે મિત્રોનું નામ આપતાં જણાવ્યું હતું કે, તે દૂધની ગાડીઓમાં વાયરીંગ કામ કરે છે. ગઈ તા. 8/2/2026 ના સાંજના છએક વાગ્યાની આસપાસ 'ધવલ 89' નામની ઇન્સ્ટા આઈડીમાં યુવાને ઇન્સ્ટા આઈડી 'કાનુડો.7772' માંથી ખરાબ કોમેન્ટ કરી હતી. જેથી યુવાનને ધવલનો ઇન્સ્ટાગ્રામમાં કોલ આવેલ હતો. જેથી યુવાને કરેલી ખરાબ કોમેન્ટ બાબતે માફી માંગેલ તેમ છતાં તેણે કહેલ કે, ના હવે તો રૂબરૂ મળીને વાત થશે. જેથી યુવાન તેને રૂબરૂ મળવા સેટેલાઈટ ચોક પાસે આવેલ શીલ્ડન શેક સામે આવેલ ખાલી પ્લોટ પાસે બોલાવ્યો હતો.
ધવલને મળવા યુવાન તથા તેનો મિત્ર આદિ કેસરિયા, વૈભવ પરમાર આદિના મોટરસાયકલમાં રાતના આશરે આઠ વાગ્યે સેટેલાઈટ ચોક ખાતે ગયેલ હતા. આ વખતે ધવલનો ઇન્સ્ટાગ્રામમાંથી કોલ આવતા તેણે સરનામું આપતાં થોડીવારમાં આવેલ એક બાઈક ઉપર ત્રણ સવારીમાં આવી ઊભા રહેલ હતા. જેથી યુવાને કહેલ કે, ધવલ તમે જ ને? બાદ યુવાને કહ્યું હતું કે મેં તમને ગાળ આપેલ હોય જેથી હું માફી માગું છું તેમ કહેતા ધવલ તથા તેની સાથે આવેલ તેના મિત્રો ગાળો આપી ઝપાઝપી કરવા લાગેલ હતા. દરમિયાન ધવલની સાથે રહેલ તેના મિત્રએ તેની પાસેની છરીથી જમણા પગના સાથળના ભાગે એક ઘા મારી દીધેલ હતો અને બાદમાં ત્રણેય શખસો મોટરસાયકલ લઈ ત્યાંથી જતા રહ્યા હતા. બાદ યુવાનને તેના મિત્રો મોટરસાયકલમાં બી ડિવિઝન પોલિસ મથકે લઇ ગયેલ હતા. જયાથી પ્રથમ મને સારવાર અર્થે ખસેડવાનું કહેતા હું 108 એમ્બયુલન્સમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયેલ હતો.
સારવાર લીધા બાદ યુવકે ધવલ અને તેના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.