BREAKING NEWS

માહિતીની સત્યતા તપાસવા માટે યુવાનો માણસોની સરખામણીએ એઆઈ પર કરી રહ્યા છે વધુ વિશ્વાસ

  • September 28, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) માનવ જીવનને સરળ બનાવવાના એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન સામે આવેલા એક નવા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે લગભગ અડધા યુવાનો હવે માહિતીની સત્યતા તપાસવા માટે માણસોની સરખામણીએ એઆઈ પર વધુ વિશ્વાસ કરી રહ્યા છે. યુવાનોમાં એઆઈ પ્રત્યે વધી રહેલા આ વિશ્વાસને લઈને રિપોર્ટના લેખકોએ ચિંતા વ્યકત કરી છે.
રિપોર્ટમાં સરકારને શિક્ષણ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ માટે ૧૦ મુદ્દાની યોજના અમલમાં મૂકવાની અપીલ કરવામાં આવી છે. તેમાં શિક્ષણ વિભાગની અંદર એઆઈ માટે એક અલગ એકમની રચના કરવી અને ૧૦૦ એઆઈ ચેમ્પિયન સ્કૂલ તથા કોલેજોનું નેટવર્ક ઊભું કરવાનું સૂચન સામેલ છે.
ઈંગ્લેન્ડની એક જાહેર નીતિ સંશોધન એજન્સી દ્રારા કરવામાં આવેલા આ સર્વેમાં ૧૧થી ૨૪ વર્ષની વયના ૪,૦૦૦થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં યુવાનોના એઆઈ પ્રત્યેના વધતા વિશ્વાસ અને શિક્ષણ વ્યવસ્થામાં એઆઈના ઉપયોગ અંગે તેમના વિચારો જાણવા મળ્યા હતા.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આજની સ્કૂલો અને કોલેજો પોતાના અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિમાં એઆઈને સામેલ નહીં કરે અથવા તેને નજરઅંદાજ કરશે, તો વિધાર્થીઓને એવું લાગી શકે છે કે સ્કૂલ જવું સમયની બરબાદી સમાન છે. રિપોર્ટ મુજબ એઆઈ પ્રત્યે યુવાનોનો વિશ્વાસ સતત મજબૂત બની રહ્યો છે.
એઆઈ પર વધુ વિશ્વાસ રાખવા પાછળ યુવાનો દ્રારા આપવામાં આવેલા કેટલાક કારણોમાં ઝડપથી જવાબ મળવો, પક્ષપાત વગર જવાબ મળવાની અપેક્ષા અને પ્રશ્ન પૂછતી વખતે સંકોચ કે શરમ ન અનુભવવી સામેલ છે. એટલે કે, ઘણા યુવાનોને એઆઈ પાસેથી માહિતી મેળવવી સરળ અને સુવિધાજનક લાગે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈંગ્લેન્ડની શિક્ષણ વ્યવસ્થા હજુ પણ એવી દુનિયા માટે વિધાર્થીઓને તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે, જે હવે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી. બીજી તરફ, લગભગ ૮૭ ટકા યુવાનો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવાનો અનુભવ ધરાવે છે.
એઆઈના ઝડપથી વધી રહેલા ઉપયોગ છતાં શિક્ષણ સંસ્થાઓ તેની સાથે પૂરતો તાલમેલ બેસાડી શકી નથી. યુવાનો કઈ રીતે અને કેટલી હદ સુધી એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે, તે અંગે પણ શિક્ષણ સંસ્થાઓ અને વિધાર્થીઓ વચ્ચે અંતર જોવા મળી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application