ટેલિગ્રામ મારફતે વધુ નફો આપતી સ્કીમમાં 9000 ટ્રાન્સફર કર્યા બાદ યુવક છેતરાયો: દવા પીધી
ટેલિગ્રામ મારફતે વધુ નફો આપતી સ્કીમમાં 9000 ટ્રાન્સફર કર્યા બાદ યુવક છેતરાયો: દવા પીધી
October 18, 2025 03:37 PM
શહેરના ધરમ સિનેમા પાછળ પીડબલ્યુડીની ઓફિસમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતા યુવાને ઓફિસમાં જ ઉંદર મારવાની દવા પી લેતા તાકીદે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક ઓનલાઇન ટેલિગ્રામમાં સાઇબર ક્રાઇમનો ભોગ બનતા આઠથી નવ હજાર રૂપિયા હારી જતા ઘરે ખબર પડશે તો ઠપકો આપશે બીકથી પગલું ભરી લીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં શ્રીજી રેસીડેન્સીમાં રહેતો અને ધરમ સિનેમા પાછળ આવેલી પીડબલ્યુડીની કચેરીમાં આઇટી એપ્રેટિન્સ તરીકે નોકરી કરતો શિવમ નીપુલભાઈ મકવાણા (ઉ.વ.22)એ ગઈસાંજે ઓફિસમાં જ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. યુવકે ટેલિગ્રામમાં શેર માર્કેટની લિંક ઓપન કરતા તેમાં રૂ.5000 રોકાણ કરી વધુ પૈસા કમાવવા માટેની લોભામણી સ્કીમ આપવામાં આવી હતી આથી યુવકે લિંક મારફતે રૂ.5000 ઓનલાઇન ટ્રાન્સફર કરતા ત્રણ દિવસમાં રૂ.34000 નફો થયાનું બતાવતા આ પૈસા ઉપાડવા રૂ.4000 જમા કરાવવા પડશે તેમ મેસજ આવતા યુવકે 4000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં કોઈ રકમ ન ઉપડતા પોતાની સાથે સાઇબર ફ્રોડ થયાનું જણાયું હતું. પોતાનો પગાર પણ 8000 હોય અને આ બાબતે ઘરે વાત કરશે તો ઠપકો મળશે તેવી બીકથી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.