ધ્રોલના માણેકપર ચોકડીથી આગળ મોટરસાયકલમાં જઇ રહેલા શ્રમીક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ છે, બાઇકની આડે રોજડુ આવતા અકસ્માત સર્જાયો હતો, જયારે ખીજડીયા ગામમાં વાડીની ઓરડીમાંથી વિજ કરન્ટ લાગતા ખેડુતનો ભોગ લેવાયો છે.
મુળ એમપીના ધાર જીલ્લાના અને હાલ પડધરી થોળીયારી ગામે રહેતા અને મજુરી કરતા કૈલાશ ગમનસીંગ ભુરીયા (ઉ.વ.૩૦) તથા તેમના કાકાજી સસરા નગરસીંગ અને તેમનો સાળો મોટરસાયકલ નં. જીજે૩બીએચ-૩૪૫૩ લઇ મોબાઇલ લેવા માટે ધ્રોલ જતા હતા.
એ દરમ્યાન માણેકપર ચોકડીથી આગળ પેટ્રોલ પંપ નજીકના રોડ પર પહોંચતા અચાનક રોજડુ આવી જતા બાઇક સાથે અથડાયુ હતું જેના કારણે મોટરસાયકલ સ્લીપ થતા કૈલાશભાઇને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા સારવારમાં ખસેડાયા હતા, જયાં તેમનું મૃત્યુ થયુ હતું, આ બનાવ અંગે ચીમન ગમનસીંગ ભુરીયા દ્વારા ધ્રોલ પોલીસમાં ગઇ કાલે જાણ કરવામાં આવી હતી.
જામનગર તાબેના ખીજડીયા ગામમાં રહેતા ખેડુત પરસોતમ રાજાભાઇ કમાણી (ઉ.વ.૫૭) ગત તા. ૨ના પોતે ઉધળમાં વાવવા રાખેલ વાડીએ ગયા હતા, ત્યાં પતરાની ઓરડીમાં ઇલેકટ્રીક બોર્ડમાંથી કોઇ કારણસર વિજશોક લાગતા બેભાન થઇ જતા જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયાનું નિકુંજભાઇ કમાણી દ્વારા પંચ-એ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે.