BREAKING NEWS

ખંભાળિયા નજીક ટ્રીપલ અકસ્માતમાં યુવાનનું મૃત્યુ: મિત્રને થઇ ઇજા

  • November 25, 2025 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખંભાળિયા- દ્વારકા હાઈવે માર્ગ નજીક રવિવારે સાંજે બાઈક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા તેમના મિત્રને પણ ઈજાઓ થવા પામી હતી.


આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા પબુભાઈ કાબાભાઈ ચાવડા નામના ૩૫ વર્ષના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદી પબુભાઈના ભત્રીજા સીદાભાઈ ભીખાભાઈ ચાવડા રવિવાર તારીખ ૨૩ મી ના રોજ સાંજના સમયે તેમના મિત્ર રાજ નગાભાઈ કરંગીયાને સાથે લઈને તેમના જી.જે. ૩૭ ઈ. ૧૭૫૦ નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર દ્વારકા હાઈ-વે નજીક આવેલી પાયલ ચોકડી પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક રોંગ સાઈડમાં આવી રહેલા જી.જે. ૧૦ એડી ૦૪૮૫ નંબરના એક ટ્રેક્ટરના ચાલકે રોંગ સાઈડમાં આવી અને સીદાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇક પર જઈ રહેલા સીદાભાઈ અને રાજ કરંગીયા બંને પટકાઈ પડ્યા હતા.


આ દરમિયાન ખંભાળિયાથી દ્વારકા તરફ જતા રસ્તે પૂરઝડપે આવી રહેલી જી.જે. ૩૯ સી.સી. ૯૯૫૫ નંબરની એક કિયા મોટરકારના ચાલકે સીદાભાઈ તથા રાજ ઉપર પોતાની કાર ચડાવી દીધી હતી. જેના કારણે સીદાભાઈ ચાવડાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના મિત્ર રાજ નગાભાઈ કરંગીયાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
​​​​​​​

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે ટ્રેક્ટર તેમજ મોટરકારના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application