શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલી વ્હાઇટ પેલેસ હોટેલના રૂમમાં એલસીબી ઝોન-૨ ની ટીમે દરોડો પાડી અહીં દારૂની મહેફિલ માણી રહેલા હોટેલના માલિક,મેનેજર અને કર્મચારીને ઝડપી લીધા હતાં. પોલીસને દરોડા દરમિયાન દારૂની બે ખાલી બોટલ અને એક ભરેલી બોટલ મળી આવી હતી આ ઉપરાંત બાઇટીંગનો સામાન પણ મળી આવ્યો હતો. ત્રણેય સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરીમાં એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા,હેડ કોન્સ.રાહુલભાઈ ગોહેલ,શિવભદ્રસિંહ સહિતની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી. દરમીયાન બાતમી મળી હતી કે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નવી કોર્ટની સામે આવેલ 'વ્હાઇટ પેલેસ' હોટલના રૂમ નં. ૧૦૨માં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીના આધારે ટીમે અહીં દરોડો પાડયો હતો.
પોલીસે અહીં આવી જોતા અહીં દારૂની મહેફિલ ચાલી રહી હોય જેમાં દારૂની બે ખાલી બોટલ અને ભરેલી બોટલ મળી આવી હતી. તેમજ બાઇટીંગ પણ મળી આવ્યું હતું. પોલીસે મહેફિલ માણી રહેલા આ શખસોની પુછતાછ કરતા તેમણે થોથરાતી જીભે નામ જણાવ્યા હતાં. જેમાં મહેશ હેમંતભાઈ ખાવડુ (ઉ.વ.૨૬રહે: હાલ વહાઇટ પેલેસ હોટલ, રાજકોટ/મૂળ પોરબંદર) મુસ્તફા મોઇનુદીનભાઈ અંસારી (ઉ.વ.૩૮ રહે: મનહરપરા-૧, જામનગર રોડ, રાજકોટ) અને આનંદ હરેશભાઈ હેરભા (ઉ.વ.૨૦ રહે: હાલ વહાઇટ પેલેસ હોટલ, રાજકોટ/મૂળ બોટાદ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી મુસ્તફા હોટેલનો માલિક છે જયારે ભરત ઉર્ફે મહેશ હોટેલનો મેનેજર અને આનંદ હોટેલનો કર્મચારી છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તે દારૂની બોટલ કયાંથી લાવ્યા હતા? તે અંગે તપાસ હાથ ધરી છે.