યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી, જેઓ રશિયાના બોલ્ડ મુકાબલા માટે રાષ્ટ્રીય નાયક તરીકે ઉભરી આવ્યા હતા, તેમની સામે નવા પડકારો સર્જાયા છે અને તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો મુકવામાં આવ્યા છે. આથી ગમે ત્યારે તેમને ખુરશી પરથી ઉતારી દેવામાં આવે અને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ નિષ્ણાતો જોઈ રહ્યા છે. યુક્રેનિયન તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે ઝેલેન્સકીના વ્યવસાયિક ભાગીદાર, તૈમુર મિન્ડિચના ગુનાહિત સંગઠને રાજ્યની માલિકીની પરમાણુ ઊર્જા કંપનીમાંથી 100 મિલિયન ડોલરની ઉચાપત કરી હતી. આ સંગઠન વિવિધ મની લોન્ડરિંગ, છેતરપિંડી અને નાણાકીય ગુનાઓમાં સામેલ છે.
તૈમૂર મિન્ડિચ ઝેલેન્સ્કી દ્વારા સ્થાપિત કોમેડી ટેલિવિઝન સ્ટુડિયો "ક્વાર્ટલ 95" ના માલિક છે. દરોડા પહેલા તૈમૂર દેશમાંથી ભાગી ગયો હતો. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી અનુસાર, પરમાણુ ઊર્જા કંપનીનો કેસ એક યોજનામાંથી ઉદભવ્યો હતો જેમાં શેરધારકોએ કોન્ટ્રાક્ટરો પાસેથી 10 થી 15 ટકા લાંચ લીધી હતી.
યુક્રેનના મુખ્ય વિપક્ષી પક્ષ, યુરોપિયન સોલિડેરિટીએ ઝેલેન્સ્કી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની હાકલ કરી છે. આ કૌભાંડ બાદ, ઝેલેન્સ્કીના કહેવા પર બે મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું.તેમણે વડા પ્રધાનને બિઝનેસ પાર્ટનર તૈમૂર મિન્ડિચ પર પ્રતિબંધો લાદવા પણ વિનંતી કરી. દેશની સ્વતંત્ર તપાસ એજન્સી, યુક્રેનની રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, વાયરટેપ રેકોર્ડિંગ્સ ઓનલાઈન પોસ્ટ કરીને નવા ભ્રષ્ટાચાર કૌભાંડોનો પર્દાફાશ કરી રહી છે. આ કૌભાંડથી યુક્રેનિયન નાગરિકોને આઘાત લાગ્યો છે અને ઝેલેન્સકી પર દબાણ પણ વધી રહ્યું છે, જોકે તેમના પર સીધો આરોપ મૂકવામાં આવ્યો નથી.
ગયા બુધવારે, તેમણે જણાવ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ અને પોલીસ દ્વારા કરવામાં આવતી દરેક તપાસને સમર્થન આપે છે. ઝેલેન્સકી પર ભ્રષ્ટાચાર વિરોધી તપાસકર્તાઓની સ્વતંત્રતા પર અંકુશ લગાવવાનો પણ આરોપ છે કારણ કે તેઓ કેસની તપાસ કરી રહ્યા હતા.