ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુના છૂટાછેડાને ભારતનો સૌથી મોંઘો માનવામાં આવે છે. કેલિફોર્નિયામાં ચાલી રહેલા છૂટાછેડા કેસમાં, કોર્ટે શ્રીધર વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે ૧૪ હજાર કરોડના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
શ્રીધર વેમ્બુ અને તેમની પત્ની પ્રમિલા શ્રીનિવાસન વચ્ચેના છૂટાછેડાનું મુખ્ય કારણ કસ્ટડી અને ઝોહોમાં હિસ્સો છે. આ છૂટાછેડામાં વિવાદ કેલિફોર્નિયામાં રહેતા દંપતી દ્વારા એકઠા કરાયેલા વૈવાહિક સંપત્તિના વિભાજનને લગતો છે.
આઈઆઈટી-મદ્રાસમાંથી સ્નાતક થયા પછી, વેમ્બુ 1989 માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયો. પરત ફર્યાના ચાર વર્ષ પછી, 1993માં, તેમણે ઉદ્યોગસાહસિક પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા.
૧૯૯૬માં, શ્રીધર વેમ્બુ અને તેમના સાથીઓએ એડવેન્ટનેટ નામની સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની શરૂ કરી અને ૨૦૦૯માં તેનું નામ ઝોહો કોર્પોરેશન રાખ્યું. શ્રીધર વેમ્બુ અને પ્રમિલા શ્રીનિવાસન લગભગ ત્રણ દાયકા સુધી કેલિફોર્નિયામાં રહ્યા. આ દંપતીને ૨૬ વર્ષનો પુત્ર પણ છે. ૨૦૧૯માં, વેમ્બુ ભારત પરત ફર્યા અને તમિલનાડુના તેમના વતન મથાલમપરાઈ ગામથી ઝોહોનું સંચાલન શરૂ કર્યું.
ફોર્બ્સના અહેવાલ મુજબ, વેમ્બુએ ઓગસ્ટ ૨૦૨૧માં છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રમિલા શ્રીનિવાસને આરોપ લગાવ્યો હતો કે વેમ્બુએ કંપનીના મોટાભાગના શેર તેમની બહેન રાધા વેમ્બુ અને ભાઈ શેખરને આપી દીધા હતા.
રાધા હાલમાં કંપનીનો આશરે ૪૭.૮ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે વેમ્બુ ટેક્નોલોજીના સ્થાપક શેખર ૩૫.૨ ટકા હિસ્સો ધરાવે છે. વેમ્બુ પોતે ફક્ત ૫ ટકા હિસ્સો ધરાવે છે, જેની કિંમત ૨૨૫ મિલિયન યુએસ ડોલર છે. શ્રીધર વેમ્બુએ તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે, તેમને બનાવટી ગણાવ્યા છે.
જાન્યુઆરી ૨૦૨૫ માં, કેલિફોર્નિયા સુપ્રીમ કોર્ટે વેમ્બુને ૧.૭ બિલિયન યુએસ ડોલરના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ રકમ ભારતીય ચલણમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. કોર્ટે જણાવ્યું હતું કે શ્રીનિવાસનના વૈવાહિક મિલકત પરના અધિકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે આ જરૂરી હતું.