BREAKING NEWS

જામનગર: ગુલાબનગર વિસ્તારમાં નજીવી બાબતે બધડાટી : સામસામી ફરીયાદ

  • September 30, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગુલાબનગર વિસ્તારમાં નજીવી બાબતે બધડાટી : સામસામી ફરીયાદ

ચાર પર હથિયારો વડે હુમલો : દુકાનદાર પર ગ્લાસના ઘા કરી ધમકી દીધી 

જામનગરના ગુલાબનગર હોટલે ચા પીવા ગયા બાદ સામુ જોવા જેવી નજીવી બાબતે માથાકુટ થઇ હતી અને તલવાર, પાઇપ જેવા હથીયારો ઉડયા હતા ૩ થી ૪ યુવકોને માર મારવામાં આવ્યો છે જે મામલે ચાર સામે ફરીયાદ થઇ છે સામા પક્ષે પણ માથાકુટ બાબતે અને ધમકી દેવા સબબ ૧ શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે બંને પક્ષોની ફરીયાદના આધારે સીટી-બી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રીના માથાકુટના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. 

જામનગરના મોરકંડા રોડ રબારી પાર્ક ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હાજી અયુબભાઇ ખફી (ઉ.વ.૨૫) નામનો યુવાન તેના મિત્રો શકીલ તથા કાસમ સાથે સ્કોર્પીયો કાર નં. જીજે૩૭એબી-૧૬૧૬ લઇને ગઇકાલે રાત્રીના ગુલાબનગર પાસે આવેલ લકકી હોટલ પર ચા પીવા ગયેલા બાદમાં ચા અને સિગરેટ માંગતા આરોપી શાહરૂખ દુકાનદાર હોય અને તે કતરાઇને ફરીયાદીને જોયેલ જેથી હાજીએ કતરાઇને શું જોશ તેમ કહેતા બોલાચાલી થઇ હતી.

બાદમાં ફરીયાદી ત્યાંથી જતા રહયા હતા દરમ્યાનમાં પેટ્રોલ પમ્પ પાસે સ્કોર્પીયો કાર લઇને ફરીયાદી ઉભા હોય તેવામાં અન્ય આરોપી તું મારા ભાઇ સાથે શું લપ કરતો હતો અને અન્ય ફોરવ્હીલ કારમાં આવી તલવાર વડે ફરીયાદી પર હુમલો કરી હથેળીના ભાગે ઇજા કરી હતી. અન્ય એક શખ્સે પાઇપ વડે ડ્રાઇવર સીટના કાંચ અને બોનેટમાં ઘા ઝીંકી નુકશાની પહોચાડી હતી. ફરીયાદીની સાથે રહેલા મિત્રો શકીલ અને કાસમને આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો ઉપરાંત આરોપી બોદુએ તને આરઝુ હોટલવાળા હનીફે દુકાને માથાકુટ કરવા મોકલેલ છે ને તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે મને મોકલેલ નથી વિશ્ર્વાસ ન આવે તો તારી સાથે આરઝુ હોટલે આવું આપણે પુછી લઇ તેમ વાત કરતા અન્ય એક આરોપી કારમાંથી ઉતરી હોટલે હનીફ હાજર હોય તેના પર ધોકા વડે હુમલો કરીને ઇજા કરી હતી. આમ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી એક શખ્સે જતા જતા મારી નાખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે હાજીભાઇ ખફી દ્વારા સીટી-બી ડીવીઝનમાં શાહરૂખ અબ્દુલ હમીરાણી, સરફરાઝ ઉર્ફે બોદુ અબ્દુલ હમીરાણી, શબીરહુશેન અબ્દુલ હમીરાણી તથા એજાઝ રફીક સંધી રહે. ગુલાબનગર પહેલો ઢાળીયો જામનગરની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
સામા પક્ષે ગુલાબનગર હરીદ્વારા પાર્ક પ્લોટ ૬ ખાતે રહેતા વેપાર કરતા શાહરૂખ અબ્દુલભાઇ હમીરાણી (ઉ.વ.૩૪)એ વળતી ફરીયાદ સીટી-બી ડીવીઝનમાં હાજ અયુબભાઇ ખફીની વિરુઘ્ધ નોંધાવી હતી.

તેમા જણાવ્યુ હતું કે ગઇકાલે લકકી હોટલ પાસે આરોપી પોતાની સ્કોર્પીયો કાર જીજે૩૭એડી-૧૬૧૬ લઇ આવીને ફરીયાદીની ચાની હોટલે હાજર હોય ત્યારે કહેવા લાગેલ કે બે દિવસ પહેલા કાર લઇને જતો હતો ત્યારે શું કતરાઇને જોતો હતો તેમ કહી અપશબ્દો બોલી થડા પર પડેલા કાંચના ગ્લાસના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application