ખંભાળીયામાંથી કારમાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ગીરફતાર
૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરતી દેવભૂમિ દ્વારકા એલસીબી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ એલસીબી દેવભૂમિ દ્વારકા દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એમ.આર. સવસેટા તેમજ પોલીસ ટીમ કાર્યરત હતી.
દરમિયાન એએસઆઈ અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઇ આંબલીયાને ખાનગી બાતમી મળી હતી કે ધરાનગર ખંભાળીયાનો રહેવાસી રામભાઇ ભારમલભાઇ ધારાણી પોતાની ટોયોટા કોરોલા કાર (રજી. નંબર જીજે ૦૧ એચકે ૫૯૫૦) માં ભાણવડ તરફથી દેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે કણઝાર ચોકડી ખંભાળીયા ખાતે વોચ ગોઠવી કારને આંતરી લીધી હતી.
પોલીસે સ્થળ પરથી ૨૩ વર્ષીય આરોપી રામભાઇ ભારમલભાઇ ધારાણી (ગઢવી) ને ઝડપી પાડ્યો હતો. કારની તલાશી લેતાં તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦,૦૦૦/-), એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૧૦,૦૦૦/-) અને ટોયોટા કોરોલા કાર (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
આ કેસમાં દારૂની ભઠ્ઠી ચલાવી માલ મોકલનાર રાણપર ગામના રાણાભાઇ બાલાભાઇ કોડીયાતર તેમજ દારૂ મંગાવનાર રાહુલભાઇ ગોપાલભાઇ ધારાણી, દેવાભાઇ મસુરા, જતીન ગોસ્વામી, નવલ ઘેલા ગંઢ અને હૈદર નામના અન્ય ૬ આરોપીઓને પકડવાના બાકી હોઈ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.