જામનગર શહેરમાં પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો
સ્મશાન તરફના રોડ પર પોલીસ પ્રગટી : હથિયાર અને કાર્ટીઝ કબ્જે
જામનગરમાં તાજેતરમાં દેશી બનાવટના ૩ હથિયાર અને ૭ કાર્ટીઝ સાથે એક શખ્સને એલસીબીએ પકડી લીધો હતો જેમાં બે બિહારીની સંડોવણી ખુલી હતી આ બનાવ તાજો છે ત્યાં જામનગરના સ્મશાન તરફના રોડ પરથી એક શખ્સને દેશી પિસ્ટલ સાથે દબોચી લેવામાં આવ્યો છે અને હથિયાર બાબતે સધન પુછતાછ ચલાવવામાં આવી રહી છે.
જામનગર તાબેના ફલ્લા ગામ રામ મંદિરની બાજુમાં રહેતા મજુરી કરતા રાજેશ ઉર્ફે રાજ પ્રવિણ ધમસાણીયા (ઉ.વ.૨૪) નામના શખ્સને પરવાના લાયસન્સ વીના દેશી બનાવટની એક પિસ્ટલ કિ. ૨૫ હજાર તથા ૧ કાર્ટીઝ રાખીને ગઇકાલે જામનગર શહેરના નવાગામ ઘેડથી સ્મશાન તરફના રોડ પર સાશ્ર્વત સોસાયટી સામેના વિસ્તારમાંથી સીટી-બી પોલીસે પકડી લીધો હતો અને હથીયાર બાબતે પુછપરછ કરી હતી.
રાજેશ ઉર્ફે રાજ ધમસાણીયા સામે સીટી-બી ડીવીઝનમાં આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો આ અંગેની કાર્યવાહી પીઆઇ ચૌહાણની સુચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શહેરના બેઠક રોડ પરથી એક શખ્સને દેશી બનાવટના ૩ હથીયાર સાથે પકડી લેવામાં આવ્યો હતો ત્યા વધુ એક શખ્સ હથિયાર સાથે પોલસની ઝપટમાં આવ્યો છે.