આઈટીઆરએનાં ડિરેક્ટર તનુજા નેસરીએ રંગોળીનું લોકાર્પણ કર્યું
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપની સ્ક્રીનમાં વ્યસ્ત રહેતી નવી પેઢીને વાચનસંસ્કૃતિ તરફ વાળવાના હેતુથી જામનગરનાં જાણીતા રંગોળી કલાકાર રિદ્ધિ શેઠ દ્વારા એક સુંદર અને પ્રેરણાદાયી રંગોળીનું સર્જન કરવામાં આવ્યું છે. બિયોન્ડ ધ સ્ક્રીન શીર્ષક હેઠળ તૈયાર કરાયેલી આ રંગોળી દ્વારા ડિજિટલ સ્ક્રીનની દુનિયામાંથી બહાર આવી પુસ્તકોની દુનિયા તરફ વળવાનો સમયોચિત સામાજિક સંદેશ આપવામાં આવ્યો છે.
જામનગરમાં વર્ષોથી પોતાની કલાના માધ્યમથી વિવિધ સામાજિક સંદેશાઓ લોકો સુધી પહોંચાડતાં રિદ્ધિ શેઠે આ વખતે બાળકો અને યુવા પેઢીમાં વધી રહેલા મોબાઈલ તથા અન્ય ડિજિટલ ઉપકરણોના વપરાશને ધ્યાનમાં રાખીને વાચનનું મહત્ત્વ દર્શાવતો વિષય પસંદ કર્યો છે. પુસ્તકોનું વાંચન વ્યક્તિના જ્ઞાન, વિચારશક્તિ અને વ્યક્તિત્વના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેવો સંદેશ આ રંગોળી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
આ વિશેષ રંગોળીનું આઈટીઆરએનાં ડિરેક્ટર તનુજા નેસરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને કલા રસિકોએ રંગોળી કલાકાર રિદ્ધિ શેઠની કલાત્મક રજૂઆતની સાથે તેના માધ્યમથી આપવામાં આવેલા સામાજિક સંદેશને પણ બિરદાવ્યો હતો. આમ, રંગો અને કલાના માધ્યમથી તૈયાર કરાયેલી આ રંગોળી માત્ર કલાત્મક કૃતિ બની રહેવાને બદલે આજની પેઢીને મોબાઈલની સ્ક્રીનથી થોડો સમય દૂર રહી પુસ્તકો સાથે મિત્રતા કેળવવા નો સંદેશો આપે છે.