BREAKING NEWS

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાયો

  • October 21, 2026 06:29 PM 

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાયો

અરજદારોના પ્રશ્નોનો સમયમર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટરની સૂચના

દબાણો દૂર કરવા, રસ્તા-સમારકામ, જમીન વળતર અને વીજ પોલ સહિતના વિવિધ લોકપ્રશ્નોની સઘન સમીક્ષા કરાઈ

જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાયો હતો. આ બેઠકમાં કલેક્ટરે  અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી કરવા અને તમામ પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નાગરિકો તરફથી રજૂ કરવામાં આવેલ મહત્તમ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો તરફથી માર્ગો પર થયેલા દબાણો દૂર કરવા, જાહેર રસ્તા પરથી અતિક્રમણ હટાવવા, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું સમારકામ કરવા અને સરકારી ખર્ચે રસ્તાની માપણી કરવા અંગેની રજૂઆતો હાથ ધરાઈ હતી. આ ઉપરાંત, જન્મ તારીખમાં સુધારો કરી આપવા, ગામોને જોડતા નવા રોડ બનાવવા, જમીનનું વળતર મેળવવા, જર્જરીત ઇમારત તોડી પાડવા અને બોક્સ કેનાલમાં વહેતું ગંદુ પાણી બંધ કરવા જેવા જનહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

વધુમાં, નદી તથા સરકારી ખરાબા, પડતર અને ગૌચર જમીન પર મંજૂરી વગર પવનચક્કી કંપનીઓ દ્વારા નાખવામાં આવેલા વીજ પોલ દૂર કરવા, રેલ્વે ટ્રેકના કામને લીધે બંધ થયેલો ખેતરમાં જવાનો માર્ગ પુનઃ શરૂ કરાવવા તેમજ ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ સરફેસી એક્ટના કેસોની સુનાવણી માટેની તારીખ મેળવવા, અટલ પેન્શન યોજનાનું ખાતું બંધ કરાવ્યા બાદ બાકી જમા રકમ પરત મેળવવા, સરકાર દાખલ થયેલ હુકમની અમલવારી કરવા તથા વ્યાજબી ભાવની દુકાનોની સરપ્રાઈઝ તપાસ કરવા જેવા વહીવટી વિષયો પર કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આદેશો આપ્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application