જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ કરાયું
જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ કરાયું
October 10, 2026 12:11 PM
જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ કરાયું
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પર્યાવરણમાં મુકત
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ગઈકાલે એક અજગર દેખાતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. અજગરને જોતા સ્થાનિકોએ કોઈ જોખમ ન લેતા તાત્કાલિક અહીંના એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. આ માહિતી મળતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમના સભ્યો વિશેષ દેસાણી, કુણાલ વાઘેલા અને રવિ વકાતર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલી ટીમે સૌપ્રથમ આસપાસના લોકોને સુરક્ષિત અંતરે રાખ્યા હતા અને ત્યારબાદ અજગરની સ્થિતિનું નિરીક્ષણ કરી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ અજગર સાપને પકડવો સરળ ન હોવાથી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત અને તકેદારીપૂર્વક કામગીરી કરી હતી. લાંબી મહેનત બાદ ટીમે સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે કબજામાં લીધો હતો. અજગરનું રેસ્ક્યુ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ વ્યક્તિ કે અજગરને ઈજા ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વન્યજીવ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા ઘણી વખત લોકોમાં ભય ફેલાય છે, પરંતુ આવા સમયે સાપ કે અન્ય વન્યજીવને મારવાને બદલે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને જાણ કરવી જરૂરી છે. શક્તિનગર વિસ્તારમાં અજગરના સફળ રેસ્ક્યુની કામગીરી બદલ સ્થાનિકોએ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમની કામગીરીને બિરદાવી હતી.