BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ભાણવડમાંથી ગેરકાયદે લાકડાનો જથ્થો ઝડપાયો

  • July 09, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભાણવડમાંથી ગેરકાયદે લાકડાનો જથ્થો ઝડપાયો

૫૫૦ મણ લાકડુ, બે પિકઅપ વાહન મળી ૧૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કાપેલા વૃક્ષોના લાકડા ભરીને જતા બે બોલેરો પીકઅપ વાહનો સાથે બે શખ્સોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરથી વેચાણ અર્થે જામનગર જતા બે પીકઅપ વાહનો,૫૫૦ મણ લાકડું સહિત ૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલીંપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની સૂચનાથી પોલીસ ટીમ ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાવદરા અને હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ સાદીયાને ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે પોરબંદર તરફથી બે બોલેરો પીકઅપ વાહનોમાં ગેરકાયદેસર કાપેલા લાકડાનો મોટો જથ્થો ભરીને ભાણવડ તરફ વેચાણ માટે લાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે વોચ ગોઠવીને ઊભેલી પોલીસ ટીમે પોરબંદર તરફથી આવતા બે પીકઅપ વાહનોને રોકી તપાસ હાથ ધરી હતી. વાહનોની તલાશી લેતા કાળા કલરની તાડપત્રીની આડમાં મોટા પ્રમાણમાં વૃક્ષોના લાકડા ભરેલા મળી આવ્યા હતા. વાહનચાલકોની પૂછપરછ કરતા તેઓના નામ અર્જુનભાઈ ગાંડુભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) અને શામજીભાઈ ભીખુભાઈ મોઢતરીયા (ઉ.વ. ૪૦), બંને રહે. રાણાવાવ, જી. પોરબંદર હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ આ લાકડા પોરબંદર જિલ્લાના નાગકા ગામની સીમમાંથી કાપીને જામનગર ખાતે અલગ-અલગ કારખાનાઓમાં વેચવા માટે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.

આ લાકડાના જથ્થા અંગે તેમની પાસે કોઈ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી કે આધાર-પુરાવા ન હોવાથી પોલીસે અંદાજે ૫૫૦ મણ લાકડા (કિંમત રૂ. ૨૮,૦૦૦/-) તથા બે બોલેરો પીકઅપ વાહનો (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૧૦,૨૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ પધી સૌરાષ્ટ્ર ફેલીંગ ઓફ ટ્રીઝ (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯ એક્સપલોર ૧થ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે તેઓને ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. 

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિરાગસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાવદરા, હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ સાદીયા તથા કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News