BREAKING NEWS

જામનગર  :  જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

  • May 02, 2026 11:18 AM 

જામનગર  :  જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ


જિલ્લામાં આપાતકાલીન સ્થિતિમાં જાન-માલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે દિશામાં પૂર્વ તૈયારીઓ હાથ ધરવા કલેક્ટરશ્રીના આદેશ

નદી કાંઠાના ગામો, આપદા મિત્રો અને તરવૈયાઓની યાદી સાથે માઇક્રો પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગોને અપાયું માર્ગદર્શન


આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ તમામ વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવી 'ઝીરો કેઝ્યુઆલિટી'ના અભિગમ સાથે કામ કરવા સૂચના આપી હતી.

બેઠક દરમિયાન કલેક્ટરએ ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે વહેણ પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડૂબાણમાં જતાં કોઝ-વે આઈડેન્ટીફાઈ કરી ત્યાં સાઈનેજ બોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ-તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના નામ અને મોબાઈલ નંબર સાથેની યાદી અદ્યતન રાખવા આદેશ આપ્યા હતા. આપાતકાલીન સ્થિતિમાં સ્થળાંતરની જરૂર પડે ત્યારે સંકલન સરળ રહે તે માટે આપદા મિત્રો અને સેવાભાવી સંસ્થાઓને પણ આ પ્લાનિંગમાં સાંકળી લેવા જણાવાયું હતું.

વધુમાં, કલેક્ટરશ્રીએ ભયજનક વૃક્ષોનું કટિંગ, જર્જરિત શાળા-આંગણવાડીના મકાનોનો ઉપયોગ ટાળવા, જરૂરી દવાઓનો પુરતો સ્ટોક રાખવા અને કંટ્રોલ રૂમને કાર્યરત કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. પૂરની સ્થિતિમાં બોટ અને રેસ્ક્યુ સાધનોની ઉપલબ્ધતા ચકાસી લેવા પણ તેમણે દિશા-નિર્દેશ આપ્યા હતા.

આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.એમ.કાથડ, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સજ્જતા અંગે વિગતો રજૂ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application