જામનગરના ધ્રોલમાં પૂર્વ સૈનિકોના લાભાર્થે સૈનિક સંમેલન યોજાયું
શહીદ રવિરાજસિંહના પરિવારનું સન્માન કરાયું, પૂર્વ સૈનિકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ પૂર્વ સૈનિકોના લાભાર્થે સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હરધ્રોલ માજી સૈનિક સંગઠન અને જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ સંમેલનમાં પૂર્વ સૈનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સંમેલનમાં જિલ્લા સૈનિક બોર્ડની ટીમ દ્વારા પૂર્વ સૈનિકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટની એઈમ્સ (AIIMS) હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ, સ્પર્શ (SPARSH) મારફતે જીવન પ્રમાણની સુવિધા તેમજ સૈનિક કેન્ટીન (CSD)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર શહીદ રવિરાજસિંહના પરિવારનું સન્માન કરીને તેમની શહાદતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કમાન્ડર પવન કુમાર, જામનગરના જિલ્લા ન્યાયાધીશ, 27 મદ્રાસ રેજિમેન્ટના સેકન્ડ ઇન કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ હરિહરન પિલ્લાઈ, જામનગર મિલિટરી હોસ્પિટલના મેજર વિકાસ વસન, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધ્રોલના મામલતદાર પરમાર સાહેબ, ગુજરાત રાજ્યના નિયામક સૈનિક કલ્યાણના અધિક્ષક સી.એમ. પટેલ તેમજ યોગ બોર્ડનાં નીતાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હરધ્રોલ માજી સૈનિક સંગઠનના પ્રમુખ ગિરિરાજસિંહ એસ. જાડેજાએ સંગઠન દ્વારા કરવામાં આવતી કામગીરી અને પૂર્વ સૈનિકોના હિતમાં હાથ ધરાતી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.
સંમેલનના આયોજનમાં હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, હરધ્રોલ માજી સૈનિક સંગઠનના પ્રમુખ ગિરિરાજસિંહ એસ. જાડેજા અને કાલાવડ માજી સૈનિક સંગઠનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ બી. અનડકટ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application