BREAKING NEWS

જામનગર: કડિયાવાડમાં ૫૨ વર્ષ જૂની પરંપરા: સળગતા સ્વસ્તિક વચ્ચે ૧૭ યુવકોનો અદભૂત રાસ

  • October 15, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કડિયાવાડમાં ૫૨ વર્ષ જૂની પરંપરા: સળગતા સ્વસ્તિક વચ્ચે ૧૭ યુવકોનો અદભૂત રાસ

રાંદલ અંબિકા ગરબી મંડળમાં ૪૫ મિનિટ સુધી આગના અંગારાઓ વચ્ચે ગરબાની રમઝટ: નયનરમ્ય દૃશ્યો નિહાળી દર્શકો મંત્રમુગ્ધ

નવરાત્રિ પર્વમાં  માઁ આધ્યશક્તિની આરાધના સાથે જામનગરનાં વિવિધ ગરબી મંડળોમાં નિતનવા રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી મંડળની ૫૨ વર્ષ જૂની પરંપરા અને અનોખા રાસે નગરજનોમાં આકર્ષણ જમાવ્યું છે. આ ગરબી મંડળના ૧૭ યુવકો સળગતા સ્વસ્તિક આકારના સાથિયા વચ્ચે આશરે ૪૫ મિનિટ સુધી રાસની રમઝટ બોલાવી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.

કડિયાવાડ વિસ્તારમાં યોજાતી રાંદલ અંબિકા ગરબી મંડળની નવરાત્રિમાં ચોથા નોરતે સળગતા સાથિયાનો વિશિષ્ટ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ રાસ માટે સૌપ્રથમ ગરબી મંડળના પટાંગણમાં સ્વસ્તિકના આકારમાં અંગારાઓ ગોઠવી સાથિયો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની વચ્ચે યુવકોએ પરંપરાગત રાસની સાથે વિવિધ હેરતભર્યા પ્રયોગો રજૂ કર્યા હતા. આગના અંગારાઓની વચ્ચે તાલબદ્ધ રીતે રજૂ થયેલા આ રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સળગતા સાથિયાના રાસ દરમિયાન ગરબી મંડળના પંડાલ વિસ્તારની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે અંધકાર વચ્ચે સળગતા અંગારાઓથી તૈયાર કરેલો સ્વસ્તિક આકાર ઝળહળી ઊઠ્યો હતો. તેની વચ્ચે ૧૭ યુવકોએ આશરે ૪૫ મિનિટ સુધી રાસની રમઝટ બોલાવી હતી. આગની જ્વાળાઓ અને અંગારાઓ વચ્ચે યુવકોની તાલબદ્ધ રજૂઆત નિહાળી ગરબી જોવા આવેલા નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જામનગરના કડિયાવાડની રાંદલ અંબિકા ગરબી મંડળની આ અનોખી રજૂઆત નવરાત્રિની પરંપરા અને લોકસંસ્કૃતિની ઝલક રજૂ કરવાની સાથે શહેરમાં ગરબીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application