જામનગર: ધ્રોલ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગતા દોડધામ
સ્થાનિકો અને પોલીસ દ્વારા ઠારવાનો પ્રયાસ: કોઈ જાનહાની નહીં
ધ્રોલના જાયવા ગામના પાટિયા નજીક ગઈકાલે સાંજે એક કારમાં અચાનક આગ લાતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
જાયવા ગામના સ્થાનિક રહેવાસી પોતાની કાર લઈને નજીકના વિસ્તારમાં ગેસ ભરાવવા માટે જઈ રહ્યા હતા, દરમિયાન કારમાં એકાએક બોનેટના ભાગમાંથી ધુમાડા સાથે આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી.
આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે થોડી જ વારમાં આગે સમગ્ર કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વધોરા પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, અને સ્થિતિ સંભાળી હતી. આગના બનાવ સમયે કારને રોડ પરથી નીચે ઉતારી લીધી હતી. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોચી ન હતી કયા કારણસર આગ લાગી એ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.