BREAKING NEWS

દ્વારકા: ભાણવડ પંથકમાં મગર-અજગરનો જાણે રાફડો ફાટ્યો

  • October 22, 2026 12:45 PM 

દ્વારકા: ભાણવડ પંથકમાં મગર-અજગરનો જાણે રાફડો ફાટ્યો

નવરાત્રિના દિવસો દરમ્યાન ૯ દિવસમાં ૭ મગર અને પ અજગરના કરાયા રેસ્કયુ: ગરબાની રમઝટ વચ્ચે વન્યજીવોની સુરક્ષા માટે રેસ્ક્યુ ટીમની સરાહનીય કામગીરી: અનેક ઝેરી અને બિનઝેરી સાપને પણ બચાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરાયા

ભાણવડ પંથકમાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન એક તરફ ઠેરઠેર રાસ-ગરબાની રમઝટ જામી હતી, ત્યારે બીજી તરફ વન્યજીવોની સુરક્ષા માટે કાર્યરત સેવાભાવી ટીમે જીવના જોખમે અવિરત કામગીરી બજાવી હતી. ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન કુલ સાત વિશાળ અજગર, પાંચ મગર તેમજ અનેક ઝેરી અને બિનઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે લોકો ગરબા રમવામાં અને ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ રેસ્ક્યુ ટીમ માટે વન્યજીવોને સુરક્ષિત કરવાનું કાર્ય જ પ્રાથમિકતા રહ્યું હતું. ખાસ નોંધનીય બાબત એ છે કે મોટાભાગના રેસ્ક્યુ માટેના કોલ રાત્રિના સમયે, જ્યારે ગરબાની રમઝટ ચરમસીમાએ હોય છે, ત્યારે મળ્યા હતા. આમ છતાં સંસ્થાના સ્વયંસેવકોએ મનોરંજન અને ઉત્સવ કરતાં અબોલ જીવોના જીવનની સુરક્ષાને વધુ મહત્ત્વ આપીને તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

આ સમગ્ર અભિયાનમાં મુખ્ય રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ, શિવ બળદ આશ્રમના સભ્યો તથા વન વિભાગના કર્મચારીઓએ સંકલન સાથે જવાબદારી નિભાવી હતી. અજગર અને મગર જેવા જોખમી વન્યજીવોને સુરક્ષિત રીતે પકડવા અને તેમને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે સ્થળાંતરિત કરવા માટે વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી.

રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ વન્યજીવોને યોગ્ય કાળજી સાથે તેમના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી માત્ર વન્યજીવોના જીવ બચાવવા પૂરતી મર્યાદિત ન રહેતાં માનવ અને વન્યજીવો વચ્ચે સહઅસ્તિત્વ જાળવવાનો સંદેશ પણ આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application