દ્વારકા જિલ્લામાં ભાજપની ભવ્ય જીતને વધાવવા ખંભાળિયામાં વિજયસભા યોજાઈ
ધારાસભ્યો, આગેવાનોની ખાસ ઉપસ્થિતિ: મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે મંગળવારે આ ચૂંટણીઓના મતદાનના અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાઓમાં નોંધપાત્ર બેઠકો સાથે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ભાજપના આ ભવ્ય વિજયને આવકારવા માટે ગઈકાલે મંગળવારે સાંજે ખંભાળિયામાં ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો, મતદારો સાથે ભાજપના ધારાસભ્યો, આગેવાનો વિગેરે હોંશભેર જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે જિલ્લા પંચાયત, ખંભાળિયા અને જામ રાવલ નગરપાલિકા તેમજ ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સાથે સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પણ મતદાન યોજાઈ ગયું હતું. જેની મતગણતરી ગઈકાલે મંગળવારે સવારથી કરવામાં આવી હતી. આ મતગણતરીના પરિણામોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત ૨૨ પૈકી ૧૮ બેઠકની સ્પષ્ટ બહુમતી સાથે ભગવો લહેરાયો છે. આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકામાં પણ ૩૬ પૈકી નોંધપાત્ર ૩૦ બેઠક, દ્વારકા તાલુકા પંચાયતમાં ૧૬ માંથી ૧૬ બેઠક વિગેરે ભાજપ તરફી જનાદેશ આવતા સમગ્ર જિલ્લામાં કેસરિયો માહોલ છવાઈ ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં કુલ ૧૬૨ પૈકી ૧૧૨ બેઠક ભાજપને સાંપડી છે. ત્યારે અમુક સંસ્થાને બાદ કરતા કોંગ્રેસનો કરુણ રકાશ થયો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીને પણ આંગળીના વેઢે ગણાય એટલી બેઠક મળી છે. ભાજપને મળેલી આ અનોખી સિદ્ધિની ખુશાલીમાં તેમજ મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે ગઈકાલે મંગળવારે સાંજે ખંભાળિયાના જોધપુર ગેઈટ પાસે ગાંધીજીની પ્રતિમા નજીક વિજય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં વિજેતા બનેલા ઉમેદવારોને શુભેચ્છા આપવા તેમજ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સાથે જિલ્લા પ્રભારી પુનિતભાઈ શર્મા ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ખાસ આગેવાનીમાં આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિજય સભામાં ભાજપને આ ઝળહળતો વિજય અપાવવા બદલ મહાનુભાવોએ સર્વે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આ ભગીરથ કાર્ય અને ચૂંટણી ચેલેન્જમાં ખભેખભા મિલાવી જહેમત ઉઠાવનારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો સહિતની ટીમનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આગામી દિવસોમાં આ તમામ વિજેતા ઉમેદવારો સંપૂર્ણપણે સમર્પિત થઈ અને જાગૃત રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપની ટીમમાં જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રાજુભાઈ ભરવાડ, યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક અનિલભાઈ તન્ના, વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા સંગઠન એક મજબૂતીથી ઊભરી આવ્યું છે.
આ વિજય સભામાં દ્વારકાના પૂજ્ય માધવ સ્વામી, અગ્રણીઓ સર્વ શ્રી જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર (જિલ્લાના ચૂંટણી સંયોજક), ડો. અમિતભાઈ નકુમ, એભાભાઈ કરમુર, પ્રભાત કાળુભાઈ ચાવડા, વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર કિરીટભાઈ ખેતિયાએ કર્યું હતું.