BREAKING NEWS

દેવભૂમિ દ્વારકામાં હાઇવે પરની ડીમોલીશન કામગીરીમાં ૬૦ જેટલા દબાણો દૂર

  • July 30, 2026 01:59 PM 

દેવભૂમિ દ્વારકામાં હાઇવે પરની ડીમોલીશન કામગીરીમાં ૬૦ જેટલા દબાણો દૂર


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવેની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો દૂર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા , મહેસૂલ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સતત બે દિવસ ચાલેલી આ કાર્યવાહીમાં કુલ ૬૦ જેટલા દબાણો અને ગેરકાયદે પ્રવેશ માર્ગો દૂર કરવામાં આવ્યા હતા.

મળતી વિગતો મુજબ  હાઇવેના વિવિધ સ્થળોએ ઉભા કરાયેલા અંદાજે ૨૦ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખંભાળિયાથી દ્વારકા-હર્ષદ માર્ગ વચ્ચે હાઇવે પર બનાવાયેલા ૪૨ અનધિકૃત ગેપ પણ બંધ કરવામાં આવ્યા હતા. તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ફરીથી ગેરકાયદે ગેપ બનાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાઇવે સુરક્ષા અને વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ કાર્યવાહીના પગલે પેટ્રોલ પંપ, હોટલ અને અન્ય વ્યવસાયિક એકમોના સંચાલકોમાં જરૂરી મંજૂરી મેળવવા માટે દોડધામ શરૂ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

એનએચએઆઇના ઇજનેર વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ કુરંગાથી ખંભાળિયા તેમજ ખંભાળિયાથી જામનગર પાટિયા સુધીના હાઇવે વિસ્તારમાં નાના-મોટા દબાણો અને અનધિકૃત જોડાણ માર્ગો દૂર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરી દરમિયાન દ્વારકાના પ્રાંત અધિકારી, ખંભાળિયાના મહેસૂલ અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જી. સોજા, સી. આર. રાણા અને ટી. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી મીત રુદાણી દ્વારા પણ સ્થળ પર પહોંચી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application