જામનગરના ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી જામનગર પેરોલ-ફર્લો સ્કોડના હાથે ઝડપાયો
જામનગર જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોર્ડની ટીમે ક્રિકેટ સટ્ટાના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી સફળતા મેળવી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા સતત વોચ અને તપાસ કરવામાં આવી રહી હતી.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ નોંધાયેલા ક્રિકેટ સટ્ટાના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ભરત માલદે અમર (રહે. હાલ વૃંદાવન પાર્ક શેરી નં. ૩, મુળ મોટા ગુંદા, તા. ભાણવડ) ને જામનગર શહેર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પોતાના રહેણાંક સ્થળે હાજર હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તેને કસ્ટડીમાં લીધો હતો.
આરોપીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી માટે રાજકોટ ડીસીબી પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ આરોપીને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.